અચલ ત્યાગીએ બનાવેલી વ્યુહરચના મુજબ એલસીબીએ ઘડેલા ચક્રવ્યુહમાં ગ્રેવલ ગેંગના સાગરીતો આબાદ ઝડપાયાં
ગરવી તાકાત, મહેસાણા તા. 12 – કડી અને નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓની ઘટનાને અંજામ આપી સમગ્ર કડી પંથકને બાનમાં લઇ તસ્કર ગેંગ દ્વારા આંતક મચાવવામાં આવી રહ્યો હતો. ક્યારેક ફેકટરીઓને અવાર નવાર નિશાન બનાવી ધાડ પાડવામાં આવી રહી હતી તો ક્યાંક વારંવાર વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓને અંજામ અપાતો હતો તો કેટલાક વિસ્તારમાં ધાડ પાડી કડી પોલીસ તેમજ નંદાસણ પોલીસને વારંવાર પડકાર ફેંકનાર ગ્રેવેલ ગેંગના સાત સાગરીતો પૈકી ત્રણ સાગરીતોને મહેસાણાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખરે દબોચી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. 
કડી પંથકમાં અવારનવાર ચોરી, ધાડ લૂંટની ઘટના માટે જવાબદાર તસ્કર ગેંગ બેફામ બની હતી જેને અંકુશમાં લેવા માટે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ બનાવેલા ચક્રવ્યુહ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘડેલી વ્યુહરચના એલસીબી પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ એચ.એલ.જાેષી, તથા પીએસઆઇ એમ.ડી.ડાભીની આગેવાનીમાં વિવિધ ટીમોની રચના ઘડવામાં આવી હતી. જેમાં વિશેષ ટેકનિકલ સ્ટાફની ટીમો તૈયાર કરી ડેટા એકત્રિત કરાયો હતો. જેમાં તાજેતરમાં બનેલી કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રગતિ કોટન મીલમાં લૂંટ ઘાડનો બનાવ બનેલ હતો જે અન્વયે બાતમીવાળી જગ્યાની મુલાકાત કરી જગ્યાની આસપાસના અંદાજિત ત્રીસેક જેટલા સીસીટીવી કુટેજની તપાસ કરી હતી જેમાં ગ્રેવલ ગેંગના ચહેરાઓનું ટેકનિકલ તેમજ હ્યુમનસોર્સથી સીસીટીવી કુટેજમાં દેખાઇ આવેલા વાહનો તેમજ તસ્કરોના ચહેરાની તપાસમાં ગ્રેવલ ગેંગ હોવાનું લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું હતું. 
ત્યારબાદ આગળના એકશન પ્લાન ઘડી પીએસઆઇ એચ.એલ.જાેષી તથા એલસીબી સ્ટાફ તથા ટેેકનીકલ સ્ટાફના માણસો સીસીટીવી કુટેજમાં દેખાયેલા ચેહરા અને વાહનોની ઓળખ કરવા માટે કડી વિસ્તારમાં કન્સ્ટ્ર્કશનની સાઇડો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં કન્સ્ટ્રકશન સાઇડ પર કામ કરતાં ગ્રેવલ ગેંગના ત્રણ સાગરીતોએ કડીમાં ધાડ માટે જે વાહનોનો ઉપયોગ કર્યો હતો તે વાહનો મળી આવ્યાં હતા જેના આધારે એએસઆઇ રોહિતભાઇ, પીસી સમીરકુમાર, પીસી હરેશસિંહનાઓને સંયુક્ત માહિતીના આધારે કન્સ્ટ્રકશન સાઇડ પરથી નવસીંગ ભાવસીંગ બારીયા, દિલીપ રામસીંગભાઇ મકોડીયા, વિક્રમ માનસીંગ ભાભોરવાળાઓને ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોન મળી ચોરી કરવામાં વપરાયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગ્રેવલ ગેંગના ત્રણ સાગરીતોને દબોચી લીધા હતા જ્યારે તેમની પાસેથી કુલ રૂા. ૪,૧૪,૫૮૦નો મુદ્દામાલ ઝડપી નંદાસણ તથા કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૫ અન્ડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમ સફળ રહી હતી. જ્યારે ગ્રેવલ ગેંગના સાત પૈકી ત્રણ સાગરીતોની ધરપકડ બાદ અન્ય ચાર સાગરીતોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરાયાં છે.


