ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લીધો
પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમને મળેલી બાતમીના આધારે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 08- મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે છેલ્લા એક વર્ષથી અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપી કડી તાલુકાના બલાસર ગામે પોતાના ઘરે હાજર હોવાની મળેલી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે તેના ઘરેથી કોર્ડન કરીને ઝડપી એ. ડિવીઝન પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડ વિવિધ ટીમો બનાવી નાસતાં ફરતાં શખ્સોને ઝડપી પાડવા આપેલા આદેશ મુજબ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઇ નરેન્દ્રસિંહ તથા હે.કો. હર્ષદસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
કડી તાલુકાના બલાસર ગામનો ઠાકોર બળદેવ રામાજી જે અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપીને નાસતો ફરી રહ્યો છે. જે હાલ તે પોતાના કડી તાલુકાના બલાસર ગામે પોતાના ઘરે હાજર છે. જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળે તેના બલાસર ગામે ઘરને કોર્ડન કરીને આરોપીને ઝડપી પાડી સીઆરપીસીની કલમ 41 (1) મુજબ ધરપકડ કરી એ. ડિવિઝન પોલીસને પકડાયેલા આરોપીને અમદાવાદ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.