રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું
ગુજરાતભરની જેલોમાં ગૃહ વિભાગની મેગા ડ્રાઈવ: કેદીઓમાં ફફડાટ, હવે ગેરરીતિનો થશે પર્દાફાશ
ગરવી તાકાત, ગાંધીનગર તા. 25 – રાજ્યભરની જેલોમાં ગૃહ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે જેમાં ગત રાત્રિના સમયે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા મહેસાણાની જિલ્લા જેલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. 
રાજ્યભરની તમામ જિલ્લા જેલ પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. એક જ સાથે સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લા જેલમાં સર્ચ ઓપરેશન ચલાવાયું હતું જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર, સુરત, ભાવનગર સહિતની જેલો પર દરોડા પાડી હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, રાજ્યભરની જેલમાં સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગૃહ વિભાગ અલર્ટ થઈ ગયું છે. 2 દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રીએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંજે 7 વાગ્યાથી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા જેલો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ બેઠક બાદ રાજ્યની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં 2 હજાર પોલીસ કર્મચારીઓનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. હાલ તમામ જેલોમાં કોઈ પ્રકારની જલસા પાર્ટી કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ જેલો પર સ્થાનિક પોલીસની કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. જેલો પર કાર્યવાહી દરમ્યાન જિલ્લા પોલીસ વડા, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતના ઉચ્ચ અધિકારી જેલોમાં સર્ચ કરી રહ્યા છે. આ સાથે પોલીસ અધિકારી બોડી વોર્ન કેમેરા સાથે અંદર પહોચ્યા છે. 
નડીયાદ જેલમાંથી સ્માર્ટફોન મળી આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસને ફોન મળી આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સતત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં ભુજ જેલમાંથી 6 મોબાઈલ મળી આવ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી ચાલી રહી છે. મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.

