બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તપાસનો દોર લંબાવે તો દૂધનું દૂધ અને દહી દહી થઇ જાય તેમ છે
દાંતીવાડા તાલુકામાં થતાં વિકાસકિય કાર્યોમાં રોડ રસ્તા સહિત વિકાસકિય કાર્યોમાં ગેરરિતી આચરવામાં આવતી હોવાની સ્થાનિકોની બૂમ
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 05 – સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત હસ્તક વિવિધ યોજનાઓ તળે રસ્તાઓ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને વિવિધ વિકાસ કાર્યો તથા રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવે છે. જેમાં વિવિધ તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ વિકાસના કામો તથા રોડ બનાવવામાં આવ્યા છે પણ તેમાં ગ્રામ પંચાયતના સરપંચથી લઈને તાલુકાના અધિકારીઓ દ્વારા ટકાવારી લઈ હલકી ગુણવત્તાના કામો કરી બીલો પાસ કરી ગેરરિતી આચરવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. ત્યારે આવી જ ગેરરિતી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આચરવામાંં આવી રહી હોવાનો વસવસો સ્થાનિક ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે દાંતીવાડા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા સહિતના અનેક વિકાસકિય કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ અને દાંતીવાડા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓના તાલમેલથી કરવામાં આવતી વિકાસની કામગીરીમાં કાચુ કાપવામાં આવી રહ્યા છે એટલે કે હલકી કક્ષાની કામગીરી કરી લાખોના બિલો પાસ કરી ગેરરિતી આચરવામાં આવી રહી હોવાની સ્થાનિકો રાવ વ્યક્ત કરી રહ્યા છે.
આ બાબતે વારંવાર અહેવાલો સમાચારપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે છતાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી આ તરફ તપાસનો દોર લંબાવવાનું સુદ્ધા નામ નથી લેતા. જો આ બાબતે સચોટ તપાસ થાય તો દાંતીવાડા તાલુકાના અધિકારી અને પદાધિકારીના પગ નીચે રેલો આવે તો નવાઇ નહી હોય. વિવિધ પ્રકારના વિકાસના કામો તથા નવીન બનાવેલા આરસીસી રોડ તૂટી ગયા છે એવા પણ રસ્તા છે જેમાં માત્ર તિરાડો જોવા મળે છે છતાં કોઈ તપાસ થતી નથી. આ બાબતે તપાસના નામે એ.સો સહિત અધિકારીને ફોન કરી પૂછવામાં આવે છે ત્યારે અમારી એક જવાબદારી ન હોય તેવા જવાબો આપી લૂલો બચાવ કરવામાં આવી રહ્યો હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યોં છે.