— કચરા ઠાલવવાની કામગીરીને અટકાવાતાં પોલીસ બોલાવી ડમ્પીંગ સાઇટને અન્ય સ્થળે ખસેડવા ગોપાલકોની માંગ :
ગરવી તાકાત મહેસાણા : વિસનગરમાં નવી ડમ્પીંગ સાઈટમાં કચરો ટ્રાન્સફર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કચરો ઠાલવવાની કામગીરી અટકાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સુંશી રોડ ઉપર રહેણાક વિસ્તારમાં આવેલ કચરા સ્ટેન્ડની અનેક સમસ્યાઓ હતી. જ્યારે નવા કચરા સ્ટેન્ડ સામે આ વિસ્તારના ગોપાલકોએ વિરોધ કરતા ભારે હોબાળો થયો છે.
વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલ કચરા સ્ટેન્ડ રહેણાંક વિસ્તાર નજીક હોવાથી લોકોનુ આરોગ્ય જોખમાય તેમ હતુ. કચરા સ્ટેન્ડની ગંદકી અને કચરામાં વારંવાર આગના બનાવથી કચરા સ્ટેન્ડની નજીકમાં રહેતા લોકોનુ જીવન દુશ્કર બની ગયુ હતુ. ઘણા વર્ષથી માગણી બાદ ડમ્પીંગ સાઈટ માટે નવી જગ્યાની મંજુરી મળતા તેમાં પણ વિવાદ સર્જાયો છે. પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકની દેખરેખમાં છેલ્લા પાંચ દિવસથી હિટાચી મશીન તથા હાઈવા ટ્રકો લગાવી જુના કચરા સ્ટેન્ડથી નવી ડમ્પીંગ સાઈટમાં કચરો ટ્રાન્સફર કરવાનુ ચાલી રહ્યુ છે.
ત્યારે રવિવાર સવારે કેટલાક ગોપાલકો આવી કચરો ટ્રાન્સફર કરવાની કામગીરી અટકાવી હતી. ગોપાલકોનો રોષ હતો કે, ગૌચરમાં ડમ્પીંગ સાઈટ મંજુર કરી તે ગેરકાયદેસર છે. બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ ફાળવાયા છે અને હુહુ તળાવ આવેલુ છે. તળાવમાં ધરોઈનુ અને નર્મદાનુ પાણી સીંચાઈ માટે નાખવામાં આવે છે. જે તળાવમાંથી આસપાસની ૭૦૦ વિઘા જમીનમાં પીયત થાય છે. ચોમાસામાં ડમ્પીંગ સાઈટની જગ્યાનુ ગંદુ અને કચરાયુક્ત પાણી હુહુ તળાવમાં આવશે ત્યારે તળાવનુ પાણી પ્રદુષિત થશે. વળી ગૌચરમાં ગાયો ભેંસો ચરતી હોવાથી કચરો ખાવાથી નુકશાન થશે. ડમ્પીંગ સાઈટના મામલે વાતાવરણ તગ બનતા પોલીસ બોલાવાની ફરજ પડી હતી.
આ વિવાદમાં પાલિકા ચીફ ઓફીસરે જણાવ્યુ હતું કે, રહેણાંક વિસ્તાર નજીકના કચરા સ્ટેન્ડમાંથી ૨૦ વર્ષથી કચરાનો નિકાલ થતો નહોતો. સરકારઅને કલેક્ટરની મંજુરી બાદ જગ્યાની માપણી કરી પાલિકા હસ્તકની ડમ્પીંગ સાઈટમાં પ્રોસેશ પ્લાન્ટ બનાવવામાં આવશે. રોગચાળો ન ફેલાય તેથી ચોમાસા પહેલા આગમચેતીના ભાગ રૃપે કચરો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. નવી ડમ્પીંગ સાઈટ શહેરથી દૂર હોવાથી કોઈ તકલીફ થાય તેમ નથી.


