ગરવી તાકાત કલોલ : કલોલમાં 9 માસના માસૂમનો ભોગ લેનાર રોગચાળો અઠવાડિયું થવા છતાં કાબૂમાં આવ્યો નથી. શુક્રવાર સાંજ સુધીમાં કલોલ પૂર્વમાં ઝાડા-ઉલટીના નવા 58 કેસ નોંધાયા હતા.ત્યારે બીજી તરફ લોકોમાં એવા સવાલ થઈ રહ્યા છે કે કલોલ પૂર્વની ગટરની લાઈનો 50 વર્ષ જૂની છે, જેના પગલે વારંવાર લીકેજ થતા હોય છે.
જુલાઈ-2021માં રોગચાળામાં પાંચના મોત બાદ પાલીકા દ્વારા કલેક્ટરને રજુઆત કરી તમામ પાઈપ લાઈન બદલવા માંગણી કરી હતી.
તેમજ જીયુડીસીમાં પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કલેક્ટર દ્વારા સ્પેશિયલ કેસમાં લેવા ભલામણ પણ કરાઈ હતી. જે માટે 1.75 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેનું ટેન્ડરીંગ જીયુડીસી દ્વારા કરાશે. ત્યારે પાંચ લોકોના મોતને સાત મહિના જેટલો સમય થવા છતાં હજુ સુધી નવી લાઈનની કામગીરી શરૂ થઈ નથી.કલોલ પૂર્વમાં અત્યાર સુધીમાં ઝાડા-ઉલ્ટીના કુલ કેસનો આંકડો 473 પર પહોંચ્યો છે. શુક્રવારે નોંધાયેલા નવા 58 કેસમાંથી 24 દર્દીઓનો દાખલ કરાયા હતા.
જેમાંથી 15 કલોલ સીએચસી, 4 ગાંધીનગર સિવિલ અને ચાર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય તંત્ર દ્વારા કલોલ પૂર્વ વિસ્તારમાંથી પાણી 21 સેમ્પલ લીધા હતા જે પૈકી 12નો રિપોર્ટ આવતા 7 પીવાલાયક ન હોવાનું જ્યારે 5 પીવા લાયક હોવાનું સામે આવ્યું હતું. કલોલ પૂર્વની 59 સોસાયટીમાં નળથી અપાતું પાણી બંધ કરી પીવા અને વાપરવા માટે ટેન્કરની વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગે પાલિકાને સુચના આપી હતી. અત્યાર સુધી પૂર્વની 22 સોસાયટીમાં પાણી બંધ કરાયું હતુ, હવે વધુ 37 સોસાયટીમાં કલોલ પાલિકા દ્વારા આજથી પાણી બંધ કરાશે. કલોલ પાલિકા હાલ રોગચાળા નાબૂદીમાં લીકેજ શોધવાની કામગીરી સિવાય કશુ ઉકાળી શક્યું નથી. પાલિકા દ્વારા અત્યાર સુધી લીકેજ શોધવાની કામગીરીમાં 15 લીકેજ મળ્યા છે જેમાં 14નું રીપેરિંગ કરી દેવાયું છે અને 1માં કામગીરી ચાલી રહી છે.
સમગ્ર મુદ્દે ડો. બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિ કલોલ દ્વારા પાલીકા ચીફ ઓફીસને લેખિત રજૂઆત કરાઈને યુદ્ધના ધોરણે પાણીની લાઈનો બદલવા રજૂઆત કરી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે વારંવાર ઉભી થતી સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી છે. જેથી વર્ષો જુની પાણી અને ગટરની લાઈનો બદલીને બંને વચ્ચે અંતર રાખીને નવી લાઈનો નાખવામાં આવે તે જરૂરી છે.


