લાંબા સમયથી સિટીબસ સેવાથી વંચિત મહેસાણાના શહેરીજનોને સિટીબસ સેવા આપનાર નગરપાલિકાના સિટીબસ એજન્સી પર ચાર હાથ હોઈ એજન્સીને પ્રતિ કિમી રૂ.33.51 જેટલો ઊંચો ભાવ, મુસાફરોની ટિકીટના પૈસા અને લટકામાં જાહેરાતની પણ આવક ખિસ્સા ભેગી થતાં સિટીબસ એજન્સીના સંચાલકોને બખ્ખાં પડી ગયાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મહેસાણા પાલિકામાં ૬ મહિના પહેલાં સત્તામાં આવેલા ભાજપના શાસકોએ સતત પ્રયત્નશીલ રહી શહેરીજનો માટે સિટીબસ સેવા શરૂ કરી છે. ૫ સપ્ટેમ્બરથી શરૂ થયેલી સિટીબસ સેવાનો શહેરીજનો પણ લાભ લઈ રહ્યાં છે, ગુરુકૃપા ટ્રાવેલ એજન્સીને પ્રતિ કિલોમીટરે રૂ.33.51 ચૂકવવાનું ઊંચું ટેન્ડર મંજૂર કરવા સહિત પાલિકાના સત્તાધિશોના એજન્સી પર ચાર હાથ હોવા છતાં પુરતી તૈયારીઓ વગર જ સિટીબસ સેવા શરૂ કરનાર એજન્સીની બેદરકારી અને મનમાનીને લઈને મુસાફરોની પરેશાન થતાં પાલિકાએ અવારનવાર એજન્સીને મૌખિક અને લેખિત તાકીદ કરવી પડી છે.
આ પણ વાંચો : મહેસાણા સીટી બસના ટેન્ડર મામલે પાલીકા પ્રમુખનો લુલો બચાવ – કોંગ્રેસની વળતી પ્રતીક્રીયા : કિલોમીટર દીઠ 26 રૂપીયામાં ST મીનીબસ ભાડે મળી રહે, જેમા કોઈયે ટીકીટ પણ લેવાની હોતી નથી !
પાલિકાએ સિટીબસ એજન્સીનું ઊંચા ભાવનું ટેન્ડર મંજૂર કરવા ઉપરાંત ઈન્કવાયરી ઓફિસ માટે શહેરના હાર્દસમા તોરણવાળી માતાના ચોકમાં કન્ટ્રોલરૂમ કમ ઈન્કવાયરી ઓફિસ માટે જગ્યા ફાળવી છે. દૈનિક એવરેજ 1200 કિમીથી વધુના પ્રતિ કિમી રૂ.33.51 લેખે (સરકાર તરફથી રૂ.12.50 તેમજ શહેરીજનોએ પાલિકામાં ભરેલા ટેક્સમાંથી રૂ.21.01) પાલિકા એજન્સીને ચૂકવી રહી છે, એ સિવાય મુસાફરોની ટિકીટની આવક વચ્ચે સિટીબસ પર જાહેરાતની આવક પણ પાલિકાના સત્તાધિશોની મહેરબાનીથી સિટીબસ એજન્સીને જ મળી રહી છે એટલે એજન્સીને તો બખ્ખાં થઈ પડ્યાં હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
જાે કે, તેમ છતાં હજુ પણ શહેરીજનોને સિટીબસનું ચોક્કસ સમયપત્રક પણ મળ્યું નથી. ઉલ્લેખનિય છે કે, પાલિકાના વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના કાર્યકરોએ પ્રજાના ટેક્સના પૈસામાંથી સિટીબસ એજન્સીને ઊંચા ભાવ આપવા મામલે વિરોધ પણ નોંધાવ્યો હતો.