ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે બપોરે 12.30 સુધી ભાજપે ઉમેદવાર જાહેર ન કરતા આખરી ઘડી રોન કાઢે તેની પણ કોંગ્રેસને ચિંતા
પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ સહિતના કોંગ્રેસના આગેવાનોએ ભાભોરમાં ધામા નાખ્યા
ગરવી તાકાત, વાવ તા. 25 – ગુજરાતમાં એકમાત્ર વાવ ધારાસભા બેઠક માટે યોજાઇ રહેલી પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી નોંધાવવાના આખરી દિવસે પણ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટીકીટ આપીને વાજતે ગાજતે ઉમેદવારી કરી છે તો ભાજપે છેલ્લે ઘડી સુધી તેના પત્તા ખોલ્યા ન હતા અને બપોરે 1.00 વાગ્યે સ્વરૂપજી ઠાકોરને ટીકીટ આપી છે. સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસમાંથી ભાજપ કોઇ બળવાખોરનો દાણો ચાંપવાની વેતરણમાં હતું પરંતુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓએ ભાભોરમાં કેમ્પ કરીને કોઇ તોડફોડ ન થાય તેની તકેદારી રાખી હતી.
આ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન સાંસદ ગેનીબેન ઠાકોરના ખાસ વિશ્વાસુ ગણાતા ગુલાબસિંહ રાજપૂત ફેવરીટ હતા પરંતુ કોંગ્રેસના નેતા ઠાકરશી રબારી ગઇકાલથી જ અચાનક જ હોસ્પિટલમાં દાખલ થઇ જતા તેઓ કોઇ બળવો કરશે તેવી ચિંતા હતી અને ભાજપ પણ કોંગ્રેસમાંથી કોને ઉમેદવાર બનાવે છે તેના પર નજર રાખીને બેઠુ હતું. આ સ્થિતિ વચ્ચે ગુલાબસિંહનું નામ જાહેર થતા જ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ અહીં પહોંચી ગયા હતા અને બપોરે રાજપૂતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ઠાકરશી રબારી હજુ સંતુષ્ટ જ છે. તેમણે એક સૂચક નિવેદનમાં કહ્યું કે મને ડમી ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું છે. ફોર્મ ભરવાનો કોઇ મતલબ નથી, ઉમેદવાર ફિકસ હતા.
કોંગ્રેસ અન્યની જેમ મને પણ રમાડે છે પરંતુ હું ડમી તરીકે ફોર્મ નહીં ભરૂ હવે કોંગ્રેસ અન્ય કોઇને ડમી બનાવી તેવી ધારણા છે તો સ્વરૂપજી ઠાકોર પણ મારતે ઘોડે ફોર્મ ભરવા પહોંચી ગયા હતા. વાવની બેઠક પર 2022ની જેમ જંગ રસપ્રદ થશે તે નિશ્ચિત છે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરનું નામ ચર્ચાતું હતું. બનાસકાંઠામાં જોકે ભાજપે આ રીતે ચૌધરીને બદલે ઠાકોર ઉમેદવારને ઉભા રાખીને ગેનીબેનના ગઢમાં ગાબડુ પાડવા કોશીશ કરી છે.
અગાઉ ગેનીબેનને જીતાડવામાં ગુલાબસિંહનો ફાળો હતો. 2022માં તેઓ પોતાની થરાદ વિધાનસભા બેઠક ગુમાવી હતી. ઠાકરશી રબારી પણ 2022માં ગેનીબેનની સાથે હતા. હાલના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ગેનીબેને 2022માં 6555થી વધુ મતે પરાજીત કર્યા છે. અહીં મતદારો સૌથી વધુ છે પણ છેક છઠ્ઠા ક્રમની વસ્તી ધરાવતા રાજપુત ઉમેદવારને ટીકીટ આપીને ગેનીબેનના ઠાકોર સમુદાય અને રાજપુત સમુદાયને આધારે ચૂંટણી જીતવા દાવ ખેલ્યો છે.