ખેડુતોથી લઈ નાના વ્યાપારીઓને વ્યાજ મુક્ત લોન આપવાનું સંકલ્પ પત્રમાં વચન
ખેડૂતોને યોગ્ય ન્યાય અને ભાવ મળે તે માટે ટેકાના ભાવનો કાનૂન લાવવાનું વચન
રાજસ્થાનની ચૂંટણીમાં કોંગ્રેસે મતદાતાઓને વચનોની લ્હાણીના વરસાદ વરસાવ્યોં
ગરવી તાકાત તા. 21 – રાજસ્થાનમાં તા.25ના રોજ યોજાનારી ધારાસભા ચૂંટણી પુર્વે આજે કોંગ્રેસે પણ મહિલાઓથી લઈ યુવાનો માટે વચનોનો મોટો પટારો ખોલી નાંખ્યો છે. જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોટ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની એક પત્રકાર પરિષદમાં ખેડુતોને રૂા.2 લાખની વ્યાજ મુક્ત લોન ઉપરાંત યુવાનો માટે ચાર લાખ નોકરીઓની જાહેરાત કરી છે.
રાજસ્થાનની કોંગ્રેસ સરકારે વિઝન 2030 મુજબ આ સંકલ્પપત્ર જાહેર કર્યું હતુ જેમાં મહિલાઓને દર વર્ષે રૂા.10 હજારની મદદ કરવા તેમજ ખેડુતો માટે ટેકાના ભાવનો કાનુન લાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જયારે રાજયમાં ચાલી રહેલી ચિરંજીવી વિમા યોજના હેઠળની રકમ રૂા.25 લાખમાંથી વધારીને રૂા.50 લાખ કરવામાં આવી છે.
જયારે રાજસ્થાન સરકાર હાલ રૂા.500માં રાંધણગેસ સીલીન્ડર મળે છે તેમાં પણ વધારે રૂા.100ની સબસીડી અને તે રીતે રૂા.400માં ગેસ સીલીન્ડર આપવાની જાહેરાત કરી છે. જયારે ઈન્દીરા ગાંધી શહેરી રોજગાર યોજના તેમજ મનરેગામાં પણ વર્ષે ઓછામાં ઓછું 150 દિવસની રોજગારી અપાશે. નાના વેપારીઓ દુકાનદારોને રૂા.5 લાખ સુધીની વગર વ્યાજની લોન પણ આપવાની જાહેરાત કરી છે અને રાજયમાં જાતિ આધારિત જનગણનાનું પણ વચન અપાયું છે.