ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 9 ઓક્ટોબરના રોજ રૂ.2 હજાર 890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી છે. ત્યારે રાજ્યના મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું
— કુલ રુ 1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ :
આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે. જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
— કુલ રુ 1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત :
સાથે જ, રૂ.1181.34 કરોડના ખર્ચે NH-68ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ.2893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે.
— સવારે બુંદી, ગાંઠિયા, બપોરે કેવડો-લાડુ, સાંજે મોહનથાળ, ફુલવડી અને ડ્રાય કચોરીના ફૂડ પેકેટ્સ અપાશે :
બહુચરાજીના દેલવાડા ખાતે રવિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી લોકોને લાવવા એસટી બસની વ્યવસ્થા કરાઇ છે. જેમાં બસ ઉપડતી વખતે, બપોરે તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા પછી પરત ફરતી વખતે એમ અલગ અલગ ત્રણ પ્રકારના ફૂડ પેકેટ્સ આપવામાં આવશે. આ માટે 75 હજાર જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરાશે. સવાર માટેના ફૂડ પેકેટ્સમાં બુંદી અને ગાંઠિયા, બપોરે ફરાળી કેવડો અને લાડુ તેમજ સાંજે પરત ફરતી વખતે અપાનાર ફૂડ પેકેટ્સમાં મોહનથાળ, ફુલવડી અને ડ્રાય કચોરી હશે. હાલ 200 થી 350 ગ્રામ વજનના ફૂડ પેકેટ્સ તૈયાર કરાઇ રહ્યા છે. આ ઉપરાંત, મોઢેરા રોડ શો વખતે અંદાજે 15 હજાર લોકો માટે પણ ફૂડ પેકેટ્સનું આયોજન કરાયું છે. ફૂડ પેકેટ્સ પાછળ રૂ.બે કરોડ ખર્ચનો અંદાજ છે. ઓએનજીસીના સૌજન્યથી ફૂડ પેકેટ્સનું આયોજન કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
— PM નરેન્દ્ર મોદી વર્ષ 2017માં મહેસાણા આવ્યા હતા :
વર્ષ- 2017ની ચૂંટણી સમયે મોદી મહેસાણા આવ્યા હતા અને એરોડ્રામમાં સભા સંબોધી હતી. બે વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી એકવાર મોદી મહેસાણા આવી રહ્યા છે.
તાલુકામાંથી ટાર્ગેટ મુજબ લોકોને લાવવા બસો ફાળવાઇ | ||
તાલુકો | લોકો આવશે | બસની સંખ્યા |
મહેસાણા | 12000 | 220 |
વિજાપુર | 8000 | 160 |
જોટાણા | 3000 | 60 |
સતલાસણા | 3000 | 60 |
કડી | 10000 | 220 |
વિસનગર | 5000 | 100 |
ઊંઝા | 7000 | 140 |
બહુચરાજી | 10000 | 200 |
ખેરાલુ | 4000 | 80 |
વડનગર | 4000 | 80 |
— 1800થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મહેસાણા સહિત આસપાસના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી એમ પાંચ જિલ્લાના 9 એસપી કક્ષાના અધિકારીઓ, 17 ડીવાયએસપી, 50 પીઆઈ, 140 પીએસઆઇ અને 1800 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
— અધિકારી-પદાધિકારીઓના કોરોના ટેસ્ટ કરવા સેમ્પલ લેવાયા :
મોદીને મળનાર તમામ ધારાસભ્યો, બે સંસદ સભ્યો સહિતના ભાજપ સંગઠનના પ્રમુખ સહિતના પદાઅધિકારીઓ, તંત્રના ઉચ્ચ અધિકારીઓના RTPCR ટેસ્ટ અંતર્ગત શુક્રવારે સાંજ સુધીમાં 125ના સેમ્પલ લેવાયા હતા.