પકડાયેલા 3 આરોપીઓએ 11 સાયલેન્સર ચોરીની ઘટનાને અંજામ આપ્યોં હોવાની કબુલાત કરી
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાસરીયા સર્કલ પાસેથી સાયલેન્સર ટોળકીને દબોચી લીધી
સાયલેન્સર ચોરીમાં સંડોવાયેલા 3ની અટકાયત 4 શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
ગરવી તાકાત, મહેસાણા તા. 13- મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલન્સરની ચોરીની ઘટનાઓએ બખુબી અંજામ આપી પોલીસને પરસેવો લાવી દેનાર સાયલન્સર ટોળકીના ત્રણ શખ્સો આખરે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં સપડાય છે. મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાયલન્સર ચોરીની અનેક ફરિયાદો પોલીસ દફતરે નોંધાયેલી છે. આ સાયલન્સર ચોર ટોળકીથી ઇકો કારના ચાલકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. 
ત્યારે જિલ્લામાં સાયલન્સર ચોરીમાં તરખાટ મચાવનાર ગેંગના સાત સાગરીતો પૈકી ત્રણ સાગરીતો મહેસાણા અમદાવાદ હાઇવે ભાસરીયા ચોકડી પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારને અટકાવી ત્રણ શખ્સોને દબોચી લઇ પુછપરછ કરતાં પાંચ શખ્સોએ ભેગા મળી અનેક સાયલન્સર ચોરીની ૧૧ ઘટનાઓને અંજામ આપ્યાની કબુલાત કરી હતી. જાે કે સાયલન્સર ચોરીમાં પાંચ શખ્સોની સંડોવણી જ્યારે સાયલન્સ લેનાર બે શખ્સો મળી કુલ સાત સાગરીતો વિરુદ્ધ એલસીબીએ ગાળિયો કસ્યોં છે.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જિલ્લામાં ઇકો કારમાંથી સાયલન્સર ચોરીની અનેક ફરિયાદો નોંધાવા પામી હતી જેને લઇને સાયલન્સર ટોળકીને દબોચી લેવા આદેશ કર્યો હતો જે અનુસંધાને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ રાત્રિ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ કેશરસિંહ, રોહિતકુમાર, દિનેશભાઇ, દિલીપસિંહ, ડાહ્યાભાઇ, રાજેન્દ્રસિંહ, શૈલેષકુમાર, કિરીટસિંહ, હિંમતભાઇ, પાર્થકુમાર, ભાવિકકુમાર, સમીરકુમાર, હરેશસિંહ, રમેશભાઇ, પિયુષકુમાર, નિલેશકુમાર, સાબીરખાન, મહેશકુમાર, સંજયકુમાર, આકાશકુમાર સહિતે અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી પોઇન્ટ ગોઠવી જિલ્લામાંથી પસાર થતી શકમંદ વાહનોને ચેક કરવાની કામગીરી હાથ ધરી હતી. 
આ દરમિયાન એએસઆઇ કેશરસિંહ, હે.કો.સાબીરખાન તથા મહેશભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો રીટ્સ કાર નંબર જી.જે.૨૭-સી-૦૯૩૭- લઇ ભાસરીયા ચોકડી મહેસાણા અમદાવાદ હાઇવે પરથી પસાર થવાના છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોંચ ગોઠવી દીધી હતી અને ઉપરોક્ત નંબરવાળી કાર ભાસરીયા ચોકડી પાસેથી પસાર થતાં તેને અટકાવી પુછપરછ કરતાં કારમાં સવાર ત્રણ શકમંદો જણાઇ આવ્યાં હતા જેમની પાસેથી ઇકો કારમાંથી ચોરી કરેલા ચાર નંગ સાયલેન્સર તેમજ કાર સહિત કુલ રૂા. ૩.૭૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા છે સહિતની પુછપરછમાં પાંચ શખ્સોએ ભેગા મળી મહેસાણા જિલ્લામાં ૧૧ સાયલન્સરની ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયલેન્સર ચોરીમાં સંડોવાયેલા ગેંગના પકડાયેલ સાગરીતો
નાજીમ ઉર્ફે સેકુ મહમદયામીન મહમદસાબુદ્દીન કુરેશી રહે. અલીફનગર વટવા, અમદાવાદ
મોસીન મુનીરખાન ગુલાબનબી પઠાણ રહે. વટવા અમદાવાદ
શબ્બીર ઉર્ફે સાહીલ અહેમદ જામાભાઇ જાદવ રહે. અગોલ તા. કડી
ફરાર આરોપીઓ
બાબુ જાકીર શેખ રહે. બહેરામપુરા અમદાવાદ (ફરાર)
સોનુ ઇન્દ્રીશ કુરેશી રહે. કાલુપુર અમદાવાદ (ફરાર)
આશીફ જાડીયા રહે. બાપુનગર, મોરારી ચોક, અમદાવાદ (ફરાર)
જીીશાન છોટેમીયા કુરેશી રહે. શાહીનપાર્ક, અમદાવાદ (ફરાર)
ઇકો કારના સાયલેન્સરમાં કેટાલીક કન્વર્ટરમાંથી પ્લેટિનમ સહિત મિશ્ર ધાતુ લાગેલી હોય છે
ઇકો કારનું સાયલન્સર ઇકો કારના માલિકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે ત્યારે ઇકો કારના સાયલેન્સરની ચોરીની ઘટનાઓ સમગ્ર ગુજરાતભરમાં બની રહી છે. ત્યારે ઇકો કારના સાયલેન્સરમાં એવી તો કઇ વસ્તુ હોય છે જેને લઇને ચોર ઇસમો ઇકો કાર ચોરવાને બદલે સાયલેન્સરની ચોરી કરવાની ટેકનીક અપનાવી રહ્યાં છે. ઇકો કારમાં લગાવવામાં આવતાં સાયલેન્સરમાં કેટાલીક કન્વર્ટરમાંથી પ્લેટિનમ સહિત મિશ્ર ધાતુ લાગેલી હોય છે જેની કિંમત રૂા. ૮થી ૧૦ હજાર મળી આવે છે ત્યારે કાર ચોરીમાં પકડાઇ જવાનો ડર હોય છે જ્યારે સાયલેન્સરની ચોરીની ઘટનાને અંજામ આપવામાં સરળતાં રહેતી હોવાથી પકડાયેલા આરોપીઓ અમદાવાદના બે શખ્સોને આ સાયલેન્સર ૮થી ૧૦ હજાર રૂપિયામાં વેચી દેતાં હતા.


