આરટીઆઈમાં સમગ્ર કૌભાંડ ખુલતા વૃદ્ધ બહેને ભાઈ સહિત સાક્ષીઓ સામે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ
ગરવી તાકાત ઃ 21-9-2026
વિજાપુર તાલુકાના લાડોલ ગામે પિતાની મિલકતમાંથી મોટા બહેનનો હક-હિસ્સો ડૂબાડી દેવા માટે સગા નાના ભાઈ દ્વારા ત્રણ સાક્ષીઓની મદદગારીથી બોગસ પેઢીનામું બનાવી જમીન-મિલકત પોતાના નામે કરાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલની સામે આવેલા જય વિસત રોયલ, હીરામોતી સોસાયટીની પાછળ રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધા રમીલાબેન પ્રવિણભાઇ રણછોડભાઈ પટેલે પોતાના જ સગા ભાઈ અને ખોટી સહીઓ કરનારા સાક્ષીઓ વિરુદ્ધ લાડોલ પોલીસ મથકે વિગતવાર કાયદેસરની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ સમગ્ર મામલાની વિગતો અનુસાર, ફરિયાદી રમીલાબેનનું પિયર વિજાપુર તાલુકાના લાડોલ ગામે આવેલું છે. તેમના માતા શાન્તાબેનનું વર્ષ ૧૯૯૬માં અવસાન થયું હતું, જ્યારે પિતા કેશવલાલ કાશીરામ પટેલનું ૧૯ જૂન ૨૦૦૨ના રોજ અવસાન થયું હતું. પિતાના દેહાવસાન બાદ કાયદાકીય જોગવાઈ મુજબ તેમના સીધી લીટીના વારસદારો તરીકે પાંચ સંતાનો રમીલાબેન, મંજુલાબેન, મીઠાભાઈ, કોકીલાબેન અને પંકજભાઈ હકદાર બનતા હતા. પિતાના નિધન બાદ પરિવારના તમામ સભ્યો શોકમાં હતા તે દરમિયાન સૌથી નાના ભાઈ પંકજભાઈ કેશવલાલ પટેલે મિલકત પચાવી પાડવાના બદઈરાદા સાથે પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું.
પંકજભાઈ પટેલે તારીખ ૨ ઓગસ્ટ ૨૦૦૨ના રોજ લાડોલ ગ્રામ પંચાયતના તલાટી સમક્ષ પિતાનું વારસાઈ પેઢીનામું તૈયાર કરાવવા અરજી કરી હતી. આ પેઢીનામામાં કુલ પાંચ સંતાનો હોવા છતાં લાલચમાં આવીને જાણીજોઈને સૌથી મોટા બહેન રમીલાબેનનું નામ ગુપ્ત રીતે બાદ કરી દેવામાં આવ્યું હતું અને માત્ર ચાર જ સંતાનો હોવાનું ખોટું દર્શાવવામાં આવ્યું હતું. આ ગુનાહિત કૃત્યમાં મદદગારી કરવા માટે લાડોલ ગામના જ રહીશો પટેલ મીઠાભાઈ બબાભાઈ, પટેલ મથુરભાઈ મણીલાલ તથા પટેલ દશરથભાઈ અંબાલાલે જાણીજોઈને ખોટા પેઢીનામામાં સાક્ષી તરીકે પોતાની સહીઓ કરી આપી હતી.
ખોટું અને બોગસ પેઢીનામું તૈયાર થઈ ગયા બાદ પંકજભાઈ પટેલે તેને સરકારી દફતરે સાચા તરીકે રજૂ કરી લાડોલ ગ્રામ પંચાયતના નમુના ૬ ના હક પત્રકમાં વારસાઈ નોંધ નંબર ૧૯૭૫૩/૧ પણ પોતાના પક્ષે કરાવી લીધી હતી. વર્ષો સુધી આ સમગ્ર છેતરપિંડી અંગે અંધારામાં રહેલા રમીલાબેનને જ્યારે પોતાના પિયરની મિલકતમાં કંઈક અજુગતું થયાની શંકા ગઈ, ત્યારે તેમણે સત્ય બહાર લાવવા માટે કાયદાકીય લડત શરૂ કરી હતી. તેમણે ૧૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ માહિતી અધિકાર અધિનિયમ (આર.ટી.આઈ.) હેઠળ પંચાયતમાંથી તમામ દસ્તાવેજોની પ્રમાણિત નકલો માંગી હતી. આરટીઆઈ હેઠળ મળેલા કાગળોની ચકાસણી કરતા ભાઈ દ્વારા આચરેલા આ ગંભીર કૌભાંડ અને છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
પોતાનો કાયદેસરનો હક છીનવાઈ ગયો હોવાનું સામે આવતા રમીલાબેને લાડોલ પોલીસ મથકે ન્યાય માટે રજૂઆત કરી હતી. જેના પગલે લાડોલ પોલીસે ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ હાથ ધરેલી તપાસ દરમિયાન રમીલાબેને રૂબરૂ હાજર રહીને પિતાની મિલકતમાં હક ડૂબાડવા માટે ખોટું પેઢીનામું ઊભું કરી સરકારી તંત્ર અને પરિવાર સાથે છેતરપિંડી આચરવા બદલ ભાઈ પંકજભાઈ પટેલ તેમજ ત્રણેય સાક્ષીઓ સામે આકરા પગલાં ભરવાની માંગ સાથે વિગતવાર નિવેદન આપ્યું હતું. વૃદ્ધ બહેનની આ ફરિયાદના આધારે પોલીસે સગા ભાઈ અને સાક્ષીઓ સામે છેતરપિંડી તેમજ ખોટા દસ્તાવેજ બનાવવા અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ તેજ કરી છે.


