ગરવી તાકાત, બનાસકાંઠા તા. 17- વાવાઝોડું જતુ રહ્યું છે એવુ નથી. ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હજી પણ યથાવત છે. કચ્છ બાદ હવે બિપોરજોય વાવાઝોડાનો કહેર ઉત્તર ગુજરાત પર વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. 41 સી 61 કિલોમીટરની ઝડપે પવન અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આખુ ગુજરાત હાલ વરસાદના બાનમાં છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં હાલ વરસાદ જ વરસાદ છે. ખાસ કરીને બનાસકાંઠાની સ્થિતિ વણસી. રાતભર પડેલા વરસાદથી આખું બનાસકાંઠા જળબંબાકાર બન્યુ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તો ભારે તારાજી સર્જાઈ છે. બનાસકાંઠામાં આજે આખો દિવસ ભારે વરસાદની આગાહી


બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લા માંથી પસાર થતા અનેક હાઇવે અને માર્ગો ઉપર વૃક્ષો ધરાસાઈ થયા છે તો ભારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પવન અને વરસાદના કારણે વિઝીબીલીટી ઘટતાં વાહન ચાલકો લાઈટો ચાલુ રાખીને ધીમેથી પસાર થઈ રહ્યા છે જોકે હજુ બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે જો વધુ વરસાદ પડે તો સ્થતિ વિકટ બને તેવી શક્યતાઓ છે.

બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદથી પાલનપુરના રસ્તાઓ જળમગ્ન થયા છે. અમદાવાદથી પાલનપુર જતો હાઈવે બ્લોક થયો છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. તો પાલનપુર- અંબાજી હાઇવે પર પણ પામી ભરાયા છે. વીરપુર પાટિયા પાસે હાઇવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. અંબાજી- દાંતા જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે.બીજી તરફ, બનાસકાંઠામાં ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા છે. ધાનેરા-પાંથાવાડાને જોડતાં હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લાખણી દિયોદર થરાદ સહિતના વિસ્તારમાં નુકસાની થઈ છે. તેમજ બિપોરજોય વાવાઝોડાની બનાસકાંઠામાં ભારે અસર જોવા મળી.
નડાબેટ બીએસએફ ચોકીને નુકસાન
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે અસર વર્તાઈ રહી છે. નડાબેટ પર રહેલી BSF ચોકીને ભારે નુકસાન થયું છે. ચોકીના પતરાં ભારે પવનથી ઊડ્યા છે. ચોકીમાં જવાનોનો સામમાન અસ્તવ્યસ્ત થયો છે. ચોકીની છત ઊડતાં પાણી અંદર ભરાયા છે.


