બહુચરાજી તાલુકામાં કરાં સાથે કમોસમી વરસાદ,ખેડૂતોને ભારે નુકશાનની શક્યતાં
બહુચરાજી અને જોટાણાં તાલુકામાં ભારે પવન, વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો
ગરવી તાકાત, બહુચરાજી, તા.18 – હવામાન વિભાગની અગાહીનાં પગલે બહુચરાજી પંથકમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતાં વાવાઝોડા અને કરાં સાથે કમોસમી વરસાદ વરસી પડ્યો હતો.એકાએક જાણે ચોમાસું બેઠું હોય તેમ ગાજવીજ સાથે વરસાદ વરસી પડતાં દોડધામ મચી હતી. 

જ્યારે પંથકમાં કમોસમી વરસાદ ધરતી પુત્રો માટે ચિંતાનું કારણ બન્યું હતાં.જેમાં ખેતરમાં ઘઉંનો પાક લહેરાતો હતો અને કાપણી માટે ખેડૂતો તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે જ કમોસમી વરસાદ વરસી પડતાં ખેડૂતોની કઠણ મહેનત પર પાણી ફરી વળ્યાં છે.બહુચરાજી તાલુકાના ખેડૂતોએ ઘઉં, એરંડા,તમાકુ તેમજ જીરું સહિતનાં પાકોમાં મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને પાક સારો થશે એવી આશા સેવી હતી.પરંતુ ૧૫ દીવસમાં જ બે વાર ભારે પવન અને કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.ઘઉંનાં તૈયાર થયેલાં પાકની કાપણી અને લેવાની તૈયારી ખેડૂતો કરી રહ્યાં હતાં ત્યાંજ આ કુદરતી આફતે ખેડૂતોની બધી ગણતરી ઊંઘી વાળી દીધી છે.વધુમાં ખેડુતપુત્ર એસ.કે ઇન્દ્રપે જણાવ્યું હતું કે બહુચરાજી પંથકમાં મોટાપ્રમાણમાં ઘઉં,એરંડા,તમાકુ સહિત બાગાયતી ખેતીમાં નુકસાન થવાં પામ્યું છે.ખેડૂતો કુદરતનાં કહેર સામે લાચાર બન્યાં છે અને સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યાં છે.. – અહેવાલ :- કપિલસિંહ સોલંકી (બહુચરાજી)


