— પાલનપુર સિવિલના તબીબોએ ચાર કલાકની જહેમત બાદ આંતરડાને જોડી યુવકનો જીવ બચાવી લીધો..
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠાના પાંથાવાડા નજીક જાહેર માર્ગ પર રાત્રિના સુમારે સર્જાયેલા એક અકસ્માતમાં વાહનની સામે આખલો આવી ચડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સુનિલ મલાભાઇ પટણી નામના યુવકનું પેટ ચીરાઈ જતા દસ ફૂટનું આંતરડું પેટની બહાર નિકળી ગયું હતું જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાતાં તબીબો ચાર કલાકના જટીલ ઓપરેશન બાદ દર્દીનો જીવ બચાવી લીધો હતો.
પાંથાવાડાના જાહેર માર્ગ પર ગત રાત્રીના બારેક વાગ્યાના સુમારે એક વાહનની સામે અચાનક આખલો આવી ચડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સુનીલ પટણી નામના યુવકનું પેટ ચીરાઈ ગયું હતું અને દસ ફૂટનું આંતરડું બહાર નીકળી ગયું હતું. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા
અને બનાવની જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ દ્વારા આ યુવકને પાંથાવાડા સિવિલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે પાલનપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં પાલનપુર સિવિલ સર્જન સુનિલ જોષી સહિતના તબીબોએ ચાર કલાક જટિલ ઓપરેશન કરી આંતરડાઓને એકબીજા સાથે જોડીને આ યુવકનો જીવ બચાવી લીધો હતો.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


