ગરવી તાકાત ગાંધીનગર : આજે (6 મે) સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પડ્યો હોય તેવા ટોપ 30 તાલુકાઓની યાદી નીચે મુજબ છે. ખેડાના કપડવંજમાં સૌથી વધુ 1.57 ઈંચ વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ માણસા, સિહોર, જોટાણા, વડોદરા શહેર, મહેસાણા, કડી, ભાવનગર, ડોલવણ, નડિયાદ, ખાનપુર, અને દસાડામાં વરસાદ પડ્યો હતો. આ તમામ સ્થળોએ સરેરાશ એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડયો હોવાનું ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં જાણવા મળ્યું છે.
મે મહિનામાં ઉનાળાની ઋતુ હોવા છતાં ગુજરાતમાં આજે પણ ચોમાસાનો કાળ હોય તેમ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ((IMD), અહીં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 મેના રોજ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો, અને તે પછીની રાત્રે 6 વાગ્યાની આસપાસ ધૂળની ડમરીઓ ઉડી હતી. અચાનક રાજ્યભરમાં સરેરાશ ૪૨ ડિગ્રીથી ઉપરનું ગરમ વાતાવરણ જાણે ચોમાસું હોય તેમ ઠંડુગાર બન્યું છે.
જોકે સત્તાવાર આંકડામાં અમદાવાદ શહેર ટોપ 30ની યાદીમાં દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ શહેરમાં 5મી મેની સાંજે વાવાઝોડા સાથે નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. શહેર માટે આ વર્ષનો આ પ્રથમ વ્યાપક વરસાદ હતો.આ કમોસમી વરસાદ દરમિયાન ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે રાજ્યભરમાં ચૌદ લોકોએ જીવ ગુમાવ્યો હતો. 4થી 6 મે, 10 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મુજબ ખેડામાં સૌથી વધુ જાનહાનિ નોંધાઈ છે,
જેમાં બે વ્યક્તિઓ ઝાડ પડવાથી મૃત્યુ પામી છે અને એક મકાન અને એક કામચલાઉ છત ધરાશાયી થવાને કારણે બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. વડોદરામાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો – બે લોકોએ વીજળીનો કરંટ લાગવાથી અને એક હોર્ડિંગ તેમના પર પડ્યા બાદ. અમદાવાદ, અરવલ્લી અને દાહોદમાં બે-બે મોત થયા હતા. અરવલ્લીમાં વીજળી પડવાથી બંનેનાં મોત થયાં હતાં, જ્યારે દાહોદમાં ઝાડ ઉખડી જવાથી ભોગ બનેલા લોકોનાં મોત થયાં હતાં. અમદાવાદમાં એક વ્યક્તિ પર વીજળી પડી હતી, તો એકનું મોત ધરાશાયી થયેલા હોર્ડિંગથી થયું હતું. વધુમાં આણંદમાં એક મહિલા પર દિવાલ તૂટી પડતાં તેનું મોત નીપજ્યું હતું.


