એકઝીટ પોલના તારણો સાચા પડે તો કોંગ્રેસ-‘આપ’ના સુપડા સાફ : ભાજપને 127થી વધુ બેઠકો મળી શકે
ગરવી તાકાત, મહેસાણા તા. ૦૬
ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો પરનું ચૂંટણી મતદાન ખતમ થતાની સાથે જ જારી થયેલા એકઝીટ પોલમાં ફરી ભાજપ સરકાર બની રહ્યાનો વર્તારો આપવામાં આવ્યો છે. આ તારણોથી ભાજપ ગેલમાં આવી ગયો છે. તમામ એકઝીટ પોલમાં ભાજપને 110 થી 151 સુધીની બેઠકો મળવાનુ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આ સંજોગોમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી જેવા વિપક્ષના સુપડા સાફ થઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની મુદ્દા વગરની ચૂંટણીમાં મતદારોની ઉદાસીનતાથી મતદાન પણ ઓછુ થયુ હતું. ઓછા મતદાનથી કોને લાભ અને કોને નુકશાન તે વિશે અટકળો વ્યક્ત થવા સાથે રાજકીય પક્ષો- નેતાઓના શ્ર્વાસ અદ્ધર થયા હતા. સોમવારે બીજા તબકકાનું મતદાન ખત્મ થવા સાથે જ વિવિધ એજન્સીઓના એકઝીટ પોલ આવવા લાગ્યા હતા અને તમામમાં ગુજરાતમાં ભાજપને ફરી સતા મળવાનુ અનુમાન દર્શાવવામાં આવ્યુ હતું એટલું જ નહીં 2017 કરતા પણ વધુ અને કદાચિત અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો મળવાનો પણ અંદાજ મુકાયો છે. 
રાજયમાં 27 વર્ષથી સતા પર રહેલા ભાજપને 2002માં અત્યાર સુધીની સૌથી વધુ 127 બેઠકો મળી હતી ત્યારબાદ ગ્રાફ સતત નીચો આવતો રહ્યો હતો. 2007માં 117, 2012માં 115 તથા 2017માં 99 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. હવે આ વખતના એકઝીટ પોલ પરથી એવુ સૂચવાય છે કે ભાજપની બેઠકોનો ગ્રાફ ફરી ઉંચો ચડશે એટલું જ નહીં 2002ની 127 બેઠકોના આંકડાને પણ પાર કરી જાય તેમ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંભવિત પરિણામ વિશે સાત એજન્સીઓએ એકઝીટ પોલ કર્યા હતા. આજતક એકસીસ માય ઈન્ડીયા દ્વારા ભાજપને સૌથી વધુ 129 થી 151 બેઠકો મળવાનું અનુમાન દર્શાવવામાં આવ્યુ છે જયારે ઝી ન્યુઝ બાર્ક દ્વારા સૌથી ઓછી 110 થી 125 બેઠકો પર ભાજપની જીત થવાનુ દર્શાવવામાં આવ્યુ છે. તમામ સાત એકઝીટ પોલમાં ભાજપનો જ જયજયકાર થવાનુ અને ન્યુનતમ-ઓછામાં ઓછી 110 બેઠક મળવાનુ કહેવાયુ છે. એકપણ એજન્સીએ 110થી ઓછી બેઠકો દર્શાવી નથી. મહત્વની બાબત એ છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌપ્રથમ વખત ઝુકાવનાર આમ આદમી પાર્ટીનુ ખાતુ ખુલવાનુ પણ દર્શાવવામાં આવ્યુ છે અને જુદા-જુદા પોલમાં આપને 2થી11 બેઠકો મળવાનુ અનુમાન દર્શાવાયુ છે. કોંગ્રેસને ન્યુનતમ 16 અને મહતમ 60 બેઠક મળવાનો તેમાં વર્તારો છે.
2017માં એકને બાદ કરતા તમામ એકઝીટ પોલ મોટા માર્જીનથી ખોટા પડયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થવાના તારણ તમામ એકઝીટ પોલમાં દર્શાવાયા છે. એકઝીટ પોલ ખોટા પડતા હોવાના દાખલા ભૂતકાળમાં બન્યા હતા. 2017ના ગુજરાત વિધાનસભા ચૂંટણીના જ એકઝીટ પોલ પર નજર કરવામાં આવે તો એકને બાદ કરતા અન્ય તમામ ખોટા માર્જીનથી ખોટા પડયા હતા. ગુજરાતમાં 2017માં પણ બે તબકકે ચૂંટણી થઈ હતી. એબીપી ન્યુઝ- લોકનીતિએ ભાજપને 117 તથા કોંગ્રેસને 60 બેઠકનું અનુમાન દર્શાવ્યુ હતું.


