— મહેસાણાના રાધનપુર રોડ પર બાહુબલી સોસાયટીમાં બનેલી ઘટના :
— મ્હેણાં-ટોણાં મારી ઘર છોડી જતી રહેવા ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ કર્યો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી બાહુબલી સોસાયટીમાં મૈત્રીકરારથી યુવક સાથે રહેતી મૂળ મહારાષ્ટ્રની યુવતીએ ગુરૂવાર રાત્રે કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં યુવતીએ બચવા બૂમાબૂમ કરી મૂકતાં આવી ગયેલા તેના પતિએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. આ યુવતીએ સસરાના માનસિક ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું નિવેદન આપતાં બી ડિવિઝન પોલીસે સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરની બાહુબલી સોસાયટીમાં મૂળ મહારાષ્ટ્રની દુર્ગાબેન ખમાર મેહુલભાઇ મુકેશભાઇ ખમાર સાથે છેલ્લા 5 વર્ષથી મૈત્રીકરારથી રહેતી હતી. આ મૈત્રીકરાર સસરા મુકેશભાઇ હરિભાઇ ખમારને પસંદ ન હતા. જેને લઇ યુવતીને તેના સસરા મ્હેણાં- ટોણાં મારી ઘર છોડી જતી રહેવા ધમકી આપી માનસિક ત્રાસ આપતા હતા. સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી ગયેલી આ યુવતીએ ગુરૂવાર રાત્રે પરિવાર સૂઇ ગયો ત્યારે રાત્રીના 10.30 વાગે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, યુવતીની બૂમાબૂમ સાંભળી તેનો પતિ આવી જતાં તેણીને બાઇક પર બેસાડી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. યુવતી મોંઢા, છાતી અને બંને હાથના કાંઠાના ભાગે દાઝી હોઇ દાખલ કરાઇ હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે સસરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.