ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં રિક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ગેંગ સક્રિય બની તાજેતરમાં વધુ એક ઘટનામાં રિક્ષામાં સવાર નિવૃત્ત તલાટી અને તેમની પત્નીની નજર ચૂકવી રીક્ષા ચાલક સહિત 3 શખ્સો 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરી ફરાર. રાધનપુર રોડ સહારા ટાઉનશીપ અણમોલ-2માં રહેતા નિવૃત્ત તલાટી શંભુભાઈ સરતાભાઈ દેસાઈ અને તેમની પત્ની ગંગાબેન ઊંઝા ખાતેના મકાનમાંથી 5 લાખ રૂપિયા રોકડ લઈને મહેસાણા આવવા નીકળ્યા તેઓ ઊંઝાથી બસમાં મહેસાણા આવ્યા.
મહેસાણા રાધનપુર ચોકડી પર બસમાંથી ઉતરી દંપતી રિક્ષામાં બેઠું હતું રિક્ષામાં અગાઉથી જ બે માણસ બેઠેલા શંભુભાઈ આગળ ડ્રાઈવર પાસે બેઠા હતા અને તેમના પત્ની પૈસા ભરેલ બેગ લઈ પાછળ બેઠા થોડે દૂર જતાં એક અન્ય પેસેન્જર રિક્ષામાં આવી બેઠો રીક્ષા ચાલકે બેગ થોડી અંદર કરવા કહ્યું અને પાછળ બેસેલ પેસેન્જરે મહિલાને આગળ-પાછળ થવા કહ્યું. ત્યારબાદ રીક્ષા ચાલકે બીજા પેસેન્જરને લેવાના બહાને રાજધાની ટાઉનશીપ આગળના ચાર રસ્તા પર દંપતીને ઉતારી રીક્ષા લઈ ફરાર થઈ ગયો.
![]()
બીજી રીક્ષા લઈ ઘરે પહોંચેલા દંપતીએ બેગમાં રાખેલ રૂપિયા ચેક કરતા ચોરી થયાની જાણ થઈ. તેમણે મહેસાણા બી.ડિવિઝન પોલીસ મથકે રીક્ષા ચાલક સહિત 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


