ઉત્તરપ્રદેશમાં શું થઇ રહ્યું છે તેમ કહી યુપી સરકાર પર કટાક્ષ કરતાં હાહાકાર
સરકારે કહ્યું-આ ગીત વૈમનસ્ય ફેલાવે છે: દિલ્હીના ડે.સી.એમ સિસોદીયાએ ભાજપ પર નિશાન સાધ્યું
યુપી સરકાર હરકતમાં – ઉત્તર પ્રદેશ પોલીસે નોટિસ ફટકારી ચાર દિવસમાં ખુલાસો માંગ્યો
કાનપુર તા.22 – ‘ યુપી મેં કા બા’ ગીતથી સમગ્ર ઉત્તર પ્રદેશ સરકાર સહિત દેશમાં બૂમ પડાવી છે. આ ગીત હાલ સોશિયલ મિડીયા, યુ ટયુબ સહિત પર ધૂમ મચાવી રહ્યું છે. લોકગાયિકા નેહાસિંહ રાઠોરે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર કટાક્ષ શબ્દોના વેધક બાણ ચલાવવામાં આવ્યાં છે. જેનાથી સમગ્ર યુપી સરકારમાં હડકંપ મચી જવા પામ્યો છે જેને પગલે આ ગીત મામલે ગાયિકા નેહાસિંહને નોટીસ પાઠવી બે ત્રણ દિવસમાં ખુલાસો પુછવામાં આવ્યો છે જેને પગલે રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, આગામી ટુંક સમયમાં 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર પણ આવા ગીતોની નકારત્મક અસર પડી શકે છે. 
‘ યુપી મેં કા બા’ ગીતથી સવાલ કરતી લોકગાયિકા નેહાસિંહ રાઠોરને ઉતર પ્રદેશની સરકારી નોટીસ ફટકારી છે અને આરોપ લગાવ્યો છે કે આ રીતે સમાજમાં તનાવ અને વૈમનસ્ય ફેલાવવાનું કામ કર્યું છે. નોટીસના માધ્યમથી યુપી સરકારે નેહાસિંહને સાત સવાલ કર્યા છે જેના જવાબ ત્રણ દિવસમાં દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે.
મોડીરાત્રે નેહાને મળેલી આ નોટીસથી રાજયમાં રાજકીય માહોલ ગરમાવાના એંધાણ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આ મામલે ભાજપ સરકાર પર નિશાન સાધી આ નોટીસને શરમજનક ગણાવી છે.
નોટીસમાં નેહાને પુછવામાં આવ્યુ છે કે શું તેણે આ ગીત ખુદે લખ્યુ છે? શું તે જાણે છે આ ગીતના ભાવાર્થની સમાજ પર શું અસર પડે? જો તે જવાબ સંતોષકારક નહિં આપે તો તેની સામે કાનુની કાર્યવાહીની ચીમકી અપાઈ છે. મનીષ સીસોદીયાએ યુપીની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે એક લોક ગાયિકાના અવાજથી ભાજપ આટલું ડરી ગયું?


