
ગોઝારિયા-પાટણ નેશનલ હાઇવે 68 માટે મહેસાણા તાલુકાના 19 ગામોના 572 ખેડૂતોની 18 હજારથી વધુ ચોરસ મીટર જગ્યા સંપાદન થવાની છે, જેને લઈ મોટાભાગના ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અને 572 પૈકી 146 ખેડૂતોએ તો વિવિધ કારણો દર્શાવી વહીવટી તંત્ર સમક્ષ વાંધા અરજી આપવામાં આવી છે. સામે પક્ષે તંત્ર દ્વારા સતત ત્રણ દિવસ સુધી ત્રણ તબક્કામાં ચલાવેલી સુનાવણી પ્રક્રિયા શનિવારે પૂર્ણ કરી છે. ખેડૂતો તરફથી રજૂ કરાયેલા તમામ વાંધા ડીએલઆર કચેરીને મોકલાશે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવેના આ પ્રોજેક્ટમાં 19 પૈકી 18 ગામોમાં 10 ફેબ્રુઆરી સુધીમાં માપણીની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂરી કરી દેવાઇ છે.
આખા નેશનલ હાઇવે પર એકસરખી જમીન સંપાદન કરવાની ખેડૂતોની માંગ
ખેડૂતો જમીન સંપાદન બાબતે વિસંગતતા હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે અને માંગ કરી રહ્યા છે કે આખા નેશનલ હાઇવે પર એકસરખી જમીન સંપાદન થવી જોઇએ. ચાણસ્માથી મહેસાણાના ડિમાર્ટ સર્કલ સુધી મધ્યથી 30 મીટર સુધીની જગ્યા સરકાર સંપાદન કરી રહી છે. જ્યારે ડી માર્ટથી શિવાલા સર્કલ સુધી મધ્યથી 45 મીટરની જગ્યા સંપાદન કરવાની છે. આમ જમીન સંપાદનમાં પણ વિસંગતતા હોઇ આખા નેશનલ હાઇવે પર એકસરખી જમીન સંપાદન કરવામાં આવે. 2009માં સરકારે કરેલી 60 મીટર સંપાદિત જગ્યાનો પણ હજુ સુધી પૂરેપૂરો ઉપયોગ નથી કર્યો, તો હવે વધુ જગ્યા સંપાદન કરવાનું શી જરૂર છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.


