ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં મહેસુલી કર્મચારીઓ, શિક્ષકો, આરોગ્ય, ગ્રામસેવક, તલાટીઓ સહિત વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા અને એન.પી.એસ લાગુ હોય એવા તમામ સરકારી કર્મચારીઓ એન.પી.એસ દૂર કરો અને જુની પેન્શન યોજના ફરી ચાલુ કરો તેવી માંગ સાથે રેલી કાઢી છેલ્લા ઘણા સમયથી સરકાર સામે લડત કાર્યક્રમો કરી રહ્યા છે. આમ છતાં સરકાર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતાં મહેસાણા જિલ્લામાં સરકારી કર્મચારીઓએ બંધારણના ઘડવૈયા ર્ડા. બાબાસાહેબ આબંડકરની જન્મ જયંતીના દિવસને પેન્શન બંધારણ અધિકાર દિવસ તરીકે ઉજવણી કરીને વિશાળ રેલી યોજી હતી.
મહેસાણા જિલ્લા પંચાયત ખાતે સવારે શિક્ષકો, મહેસુલી કર્મચારીઓ, તલાટીઓ સહિત વિવિધ શાખાઓ,વિભાગોના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર થયા હતા અને જુની પેન્શન યોજના લાગુ કરો, એન.પી.એસ દૂર કરોના બેનર અને સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. આ રેલી બસ્ટેશન રોડ થઇ ફુવારા સર્કલ ટાઉનહોલ પાસે ર્ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોચી હતી.જ્યાં બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલી અર્પણ કરીને જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરોનો સૂત્રોચ્ચાર કર્યો હતો.