ઇકો કારનો ચાલક બંન્ને મહિલાઓને અડફેટે લેતા રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓ
ઇકો કારનો ચાલક મહિલાઓને ટક્કર મારી ઘટના સ્થળ પરથી રફૂચક્કર
એક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં હેમરેજ થતાં આઇસીયુમાં દાખલ કરાઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 28- મહેસાણા મોઢેરા સર્કલ પાસે માતેલા સાંંઢની જેમાં આવતાં ઇકો કારના ચાલકે ચાણસ્મા તાલુકાના છમીછા ગામની બે મહિલાઓને ટક્કર મારતાં બંન્ને મહિલાઓ ફંગોળાઇને રોડ પર પટકાતાં બંન્ને મહિલા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે હેમરેજ થતાં આઇસીયુંમાં દાખલ કરવામાં આવી હતી. અકસ્માત સર્જી મહિલાઓને ઇજાઓ પહોંચાડનાર ઇકો કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

મહેસાણા મોઢેરા સર્કલ પાસે ઉભેલી ચાણસ્મા તાલુકાના છમીછા ગામના બે મહિલાઓ પોતાના સગાવ્હાલા સાથે દશામાના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત મહેસાણા ફર્યા હતા. આ દરમિયાન રામ ઝૂંપડીમાં જમવા ગયા હતા જ્યાં જમીને રામઝૂંપડી હોટલની બહાર નીકળતાં એક ઇકો કારના ચાલકે બેફામ ઇકો કાર હંકારી રોડ પર ઉભેલી બંન્ને મહિલાઓને અડફેટે લઇ નીચે પાડી દીધી હતી. આ અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત બંન્ને મહિલાઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. અકસ્માત સર્જી રફૂચક્કર થનાર ઇકો કારના ચાલક વિરુદ્ધ મહેસાણા બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.


