-> સૂઇગામ થી દૂદોસણ કસ્ટમ રોડ ખખડધજ. જવાબદાર અધિકારીઓ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં :
-> ઠેર ઠેર ખાડાના કારણે રોડ ચીંથરેહાલ હાલતમાં.વાહન ચાલકો પરેશાન :
ગરવી તાકાત બનાસકાંઠા : વાવ થરાદ જિલ્લાના સરહદી સૂઇગામ થી સીધાડા તરફ જતા લશ્કરી કસ્ટમ હાઇવે રોડ હાલના સમયમાં સાવ ખખડધજ બની ગયો છે, ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાય છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, છતાં માર્ગ મકાન વિભાગના નઘરોળ અધિકારીઓની ઊંઘ ઊડતી નથી, સૂઇગામ થી દુદોસણ તરફ જતો કસ્ટમ રોડ બિલકુલ રસ્તો તૂટી જવાના કારણે હાલ એની દશા ચીંથરેહાલ બની ગઇ છે, ધોળા દિવસે પણ આ સ્ટેટ હાઇવે પર ચાલવું વાહન ચાલકો માટે જીવનું જોખમ રૂપ છે,ત્યારે રાત્રિના સમયે અહીંથી કેવી રીતે પસાર થવું એ એક સવાલ છે,

જ્યારથી નવો હાઇવે રોડ બનાવવામાં આવ્યો ત્યારથી આ હાઇવે રોડ સતત તૂટતો રહ્યો છે,છતાં જવાબદાર કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યો હોય એમ લાગી રહ્યું છે, અતિભારે વરસાદ બાદ હાઈવે રોડ પર પડેલા મોટા ખાડાઓમાં માટી મિશ્રિત મોટા કપચા પાથરી દેવામાં આવ્યા હતા, પણ એ કપચા ઊઘડી જવાના કારણે હાઇવે રોડ પર કપચાના મોટા મોટા ઢગલા થઈ જતાં અકસ્માતને નોતરું આપી રહ્યા છે, હેવી વાહનો મોટા ભાગે ભારત માલા હાઇવે પરથી અવર જવર કરતા હોવા છતાં હાઇવે રોડ પર મસમોટા પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં તંત્ર નિષ્ક્રિય જણાઈ રહ્યું છે,

સુઈગામથી દુદોસણ સુધી સળંગ 20 કી.મી જેટલા કસ્ટમ હાઇવે રોડ સાવ બિસ્માર બની ગયો છે, છતાં હજુ સુધી તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ નહીં કરવાના કારણે સ્થાનિક સૂઇગામ મસાલી માધપુરા બોરૂ દુદોસણ સહિતના ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમકે કસ્ટમ હાઇવે ખખડધજ હોવાના કારણે સૂઇગામ તાલુકા મથકે આવવા માટે પોતાના પ્રાઇવેટ વાહનો લઈને આવવું તે માથાનો દુઃખાવો બની ગયો છે, જિલ્લા કલેક્ટર તાકીદે કસ્ટમ હાઇવે રોડની મરામત કે નવીકરણ કરાવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.


