ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી ક્રિષ્ણા કોર્નર નામની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં બુકાનીધારી અજાણ્યા 3 શખ્સો દ્વારા લૂંટ કરવાનો પ્રયાસ કરાયો. પરંતુ વેપારીએ નીડરતા પૂર્વક લૂંટારૂઓનો સામનો કરતા લૂંટનો પ્રયાસ નાકામ રહ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં લૂંટારૂઓએ વેપારીના માથામાં હથોડીના ઘા મારી વેપારીને ઈજાગ્રસ્ત કરી ભાગી છૂટયા. ત્યારે આ મામલે અરવલ્લી જિલ્લા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી.
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે. ચોરી અને હત્યા જેવી ઘટનાઓ ઘટ્યા બાદ હવે ધોળા દહાડે લુટની ઘટના સામે આવી. મોડાસા શહેરના પોશ વિસ્તાર ગણાતા માલપુર રોડ પર આવેલી ક્રિષ્ના કોર્નરમાં આજે બપોરે 12 વાગ્યાના સુમારે 3 જેટલા બુકાનીધારી તત્વો આવી પહોંચ્યા હતા અને દુકાનદાર પાસે 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
જોકે, દુકાનદાર ઉલ્લાસભાઈ શાહે આ રૂપિયા આપવાની ના પાડતા લૂંટ કરવા આવેલા શખ્સોએ વેપારી ઉપર હુમલો કર્યો. ત્યારે બાહોશ વેપારીએ લૂંટ કરવા આવેલા 3 શખ્સોનો નીડરતા પૂર્વક સામનો કર્યો. લૂંટારુઓ હથોડીના ઘા મારી વેપારીને લોહી લુહાણ હાલતમાં જોઈ ભાગી છૂટયા. સમગ્ર મામલે લોકોને જાણ થતા આસપાસમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટયા. જોકે, મામલાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
લૂંટના ઇરાદે આવેલા 3 બુકાનીધારી શખ્સોનો લૂંટનો ઈરાદો પૂર્ણ ન થતા વેપારીના માથામાં હથોડી વડે હુમલો કર્યો હતો. જેમાં વેપારી ગંભીર રીતે ઘાયલ થતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા બાદ સીટીસ્કેન પણ કરાવાયું. બીજી તરફ ધોળે દહાડે ભર બજારમાં લૂંટ કરવાની ઘટનાને અંજામ આપવાની નાકામ ઘટનાની તપાસ માટે વેપારી દુકાન ખાતે પોલીસ કાફલો ઉતારી પડ્યો હતો.
પ્રાથમિક તબકામાં પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી મેળવી ઘટના અંગે કાર્યવાહી શરુ કરી. ઘટના બાદ સમગ્ર મોડાસા શહેરના 4 રસ્તાઓ અને અન્ય રસ્તાઓ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી છે. બીજી તરફ જિલ્લા પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઇ એલસીબી એસઓજી સહીત જુદી જુદી ટિમો પાડી આરોપીઓને ઝડપી પાડવા તેમજ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.
લૂંટનો પ્રયાસ નાકામ બન્યા બાદ લૂંટારૂઓએ ભાગી છૂટવા માટે નજીકનમાં ઉભેલા બે જેટલા લોકોના મોટર સાઇકલોનો ઉપાયો કર્યો હતો. આંખે દેખનાર યુવકે જણાવ્યું હતું કે આ લૂંટારૂઓએ બંદૂક બતાવી મારું બાઈક પડાવી ભાગી છુટ્યા હતા.