રથો સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવાનું આયોજન
નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઇ
મહેસાણા માહિતી નિયામક તા. 09 – સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે મહેસાણા જિલ્લામાં આગામી અંદાજીત 22 નવેમ્બરથી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરવાની છે. આ માટે મહેસાણા જિલ્લામાં રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાએ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન મહેસાણા જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરીને આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં અંદાજીત આગામી તા. ૨૨ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે. જે જિલ્લાના ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.
ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ પ્રયત્નો કરવા તેમણે સૂચના આપી હતી. ગામેગામ આ યાત્રાનું સ્વાગત, લાભાર્થીઓની સાફલ્ય ગાથા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. બેઠકમા વીસી દરમિયાન નગરપાલિકા કક્ષાએ વોર્ડ વાઇઝ રથનું આયોજન,લાભાર્થીઓ સહિતની સૂચના ચીફ ઓફિસરોને આપવામાં આવી હતી.નિવાસી અધિક કલેકટરે વીસીના માધ્યમથી તમામ મામલતદારશ્રી અને ચીફ ઓફિસરોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.


