મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ડાભીએ ચીફ ઓફિસરને લખ્યો પત્ર
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – ચોમાસા દરમિયાન એક બે ઇંચ વરસાદમાં મહેસાણા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઇ જાય છે અને કેટલાક દિવસો સુધી વરસાદી પાણી ભરાઇ રહે છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ તેમજ પાણીજન્ય રોગ ફેલાવવાની સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ જતાં હોવાથી મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ડાભીએ ચીફ ઓફિસરને પત્ર લખી ચોમાસામાં ભરાતાં પાણીના કાયમી ઉકેલ માટે રજૂઆત કરી હતી.

ચોમાસા અગાઉ મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહેસાણા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીની મોટી મોટી તૈયારીઓ કરવામાં આવે છે. પરંતુ ચોમાસા દરમિયાન વરસાદ ખાબકતાં જ પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી જતાં હોય છે અને મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં હોય છે ત્યારે જયદિપસિંહ ડાભી દ્વારા મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક બેઠક બોલાવી એક્સપર્ટ ઈજનેરની ટીમ બનાવી પાણીના ભરાવા બાબતે અભ્યાસ કરી તેનો કાયમી ઉકેલ આવે તે બાબતે રજૂઆત કરી છે.


