— જિલ્લામાં તમામ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં કુલ ૯૭૩ શિક્ષકોની પણ ઘટ જોવા મળી??
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં મોટી સંખ્યામાં ઓરડાઓની અને શિક્ષકોની ઘટ જોવા મળી છે. જિલ્લામાં ૬૦૯ શાળાઓમાં ૧૫૩૨ ઓરડાઓની ઘટ સામે આવી છે. જ્યારે જિલ્લાના ૧૪ તાલુકાની શાળાઓમાં ૯૭૩ શિક્ષકોની ઘટ હોવાનું પણ જાણવા મળ્યું છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને ભારતનું ભવિષ્ય કહેવાતા બાળકો વધુમાં વધુ અભ્યાસ પ્રત્યે રૂચિ દર્શાવે તે માટે સરકારનું શિક્ષણ વિભાગ અથાગ પ્રયત્નો કરી રહ્યું છે ત્યા બીજી તરફ કયાંકને કયાંક સ્થાનિક તંત્રની બેદરકારી અથવા તો રાજ્યમાંથી પુરતી ગ્રાન્ટ ન આવતી હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં ઓરડાઓની ઘટના આંકડા સામે આવ્યા છે
બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાં આવેલી ૬૦૯ પ્રાથમિક શાળાઓમાં કુલ ૧૫૩૨ ઓરડાઓની ઘટ છે. જેમાં સૌથી વધુ કાંકરેજ તાલુકામાં ૮૨ શાળાઓમાં ૨૧૩ ઓરડાની ઘટ છે. આ ઉપરાંત બાળકોના ભવિષ્યનું ઘડતર કરનારા શિક્ષકોની પણ ઘટ જોવા મળી છે. જેમાં જિલ્લામાં કુલ ૯૭૩ શિક્ષકોની ઘટ છે જે પૂરવા અને ઓરડાઓની ઘટ સામે નવીન ઓરડા બનાવવામાં આવે તો બાળકો સારી રીતે ભણી શકે અને સારૂ શિક્ષણ મેળવી શકે તેમ છે.
— આંકડા કરતા પણ વધુ ઓરડાઓની ઘટ હોવાની શક્યતા?
બનાસકાંઠા જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવતી ઓરડાઓની કામગીરીમાં ફાળવાયેલ ગ્રાન્ટમાંથી પણ બનાવવામાં આવનાર કેટલીક ઓરડાની કામગીરી ઢીલી કામગીરીને કારણે બાકી હોવાનું કહેવાય છે ત્યારે આ આંકડા કરતા પણ કદાચ વધુ પ્રમાણમાં ઓરડાની ઘટ હોઇ શકે છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


