કડીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી રાહે આડેધડ લીલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે
કડી વન વિભાગના અધિકારી તેમજ પોલીસની આવા માફિયાઓ સામે પગલા ભરવામાં નિરસતાં કેમ? અનેક સવાલો
ગરવી તાકાત, કડી તા. 31 – કડી તાલુકાનાં અનેક ગામમાં ઘટાદાર વૃક્ષોનું છેદન થઇ રહ્યું છે ત્યારે હવે ગામડાઓમાં પણ લોભિયા અધિકારીના ઢીલા વલણને કારણે અનેક પ્રકારના લીલા વૃક્ષોનું છેદન થતું જોવા મળી રહ્યું છે. કડીમાં અનેક વાર વૃક્ષો કાપવાની વિગતો સામે આવે છે છતાં પણ કડી વન વિભાગના અધિકારીઓ મૂકપ્રેક્ષક બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કડીમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં અનેક માફીયાઓને લીલા વૃક્ષો કાપવામાં કોઈના ડર વગર બેફામ રીતે છેદન કરીને બારોબાર વેચાણ કરી રહ્યા છે.
છતાં કડી વન વિભાગના અધિકારીઓ ખુલ્લે આમ જાહેર રસ્તા ઉપર વાહનોમાં વૃક્ષો ભરીને માફિયાઓ લઇ જતાં હોવા છતાં કોઇ પગલા લેવામાં આવતાં નથી. હવે કડી સહિત મહેસાણા જિલ્લાના વન વિભાગના અધિકારીઓનું મૌન રહેવાનું કારણ જાણી શકાતું નથી. રાજ્ય સરકાર વૃક્ષોના ઉછેર માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી કરાવી કરોડો રૂપિયાનો ખર્ચ કરી પર્યાવરણમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે બીજી તરફ સરેઆમ લીલા વૃક્ષોનો ખો નીકળી રહ્યો છે અને લાખો રૂપિયાનો પગાર મેળવતા વન વિભાગના અધિકારીઓ ચૂપકીદી સેવીને બેઠા છે.
કડી પંથકના કેટલાક ગામડાઓમાં સરપંચ, તલાટી સહિતની મિલીભગતથી પણ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. કડીમાં સરેઆમ લીલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યા હોવાની તસ્વીરો અહીં વન વિભાગના અધિકારીઓની કામગીરીની ચાડી ખાઇ રહ્યું છે. કડીના આદુંદરા કેનાલ વિસ્તારમાં પણ મસમોટા લીલા વૃક્ષો કાપવાની કામગીરી બેફામ વધી છે છતાં અઘિકારીઓને કામગિરી કરવામાં રસ જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે. માફીયાઓ બેફામ વૃક્ષો કાપીને બારોબાર વેપાર કરી પૈસા કમાઈ રહ્યા છે. કડી વન વિભાગના અધિકારીઓ તથા પોલીસ વૃક્ષો કાપતા માફીયાઓ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરતા અનેક સવાલો અઘિકારીઓ સામે ઉઠી રહ્યા છે.