ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને લોકશાહીના મૂલ્યો સામે ગંભીર સવાલો ઊભા થતાં રાજકીય ગરમાવો

September 28, 2026

મહેસાણામાં જિલ્લા અને શહેર કોંગ્રેસનું વિશાળ શક્તિ પ્રદર્શન: કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી યોજી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની ઉગ્ર માંગ

ગરવી તાકાતા 28-9-2026

શાસક પક્ષને ફાયદો પહોંચાડવા માટે મતદાર યાદીમાં કથિત ચેડાં અને ‘વોટ ચોરી’ના આક્ષેપો સાથે કોંગ્રેસ આક્રમક મૂડમાં

મહેસાણામાં જિલ્લા અને શહેર કોંગ્રેસનું વિશાળ શક્તિ પ્રદર્શન: કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી યોજી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની ઉગ્ર માંગ

એસઆઈઆર પ્રક્રિયામાં મનસ્વી નિર્ણયો અને કેન્દ્રીય આઈટી સિસ્ટમના દુરુપયોગ મુદ્દે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલને આવેદનપત્ર પાઠવાયું

ભારતીય ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ, તેમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને શાસક પક્ષની તરફેણમાં થતી હોવાના આક્ષેપ સાથેની ગેરરીતિઓના વિરોધમાં મહેસાણા ખાતે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા પર ઉતરીને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકશાહીની પવિત્રતા અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે ગંભીર જોખમ ઊભું થયું હોવાનો દાવો કરીને કોંગ્રેસ દ્વારા એક વિશાળ અને આક્રોશપૂર્ણ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા તેમજ શહેર કોંગ્રેસના તમામ ટોચના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ મોરચાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પાયાના કાર્યકરો જોડાયા હતા. હાથમાં ચૂંટણી પંચ વિરોધી બેનરો, પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલીએ નગરના માર્ગો ગજવી મૂક્યા હતા અને વાતાવરણમાં ભારે રાજકીય ઉત્તેજના ફેલાવી દીધી હતી.

વિરોધ પ્રદર્શન કરતાં કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો વિશાળ કાફલો સીધો મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. કલેક્ટર કચેરી પરિસરમાં થોડો સમય ભારે સૂત્રોચ્ચાર કર્યા બાદ કોંગ્રેસ પક્ષના એક વરિષ્ઠ પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને સમગ્ર મામલે એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં ચૂંટણી પંચની અંદર ચાલી રહેલી કથિત ગેરરીતિઓ, અનિયમિતતાઓ અને બંધારણીય મર્યાદાઓના ભંગ અંગે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલો દેશના રાષ્ટ્રપતિ તેમજ રાજ્યના રાજ્યપાલ સુધી તાકીદે પહોંચાડવા માટે કલેક્ટરને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.

કલેક્ટરને સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં ચોંકાવનારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે હાલમાં ભારતીય ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા લેવાતા એકપક્ષીય અને મનસ્વી નિર્ણયો સામે પંચના જ અન્ય સાથી ચૂંટણી કમિશનરોએ ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો હોવાના વિગતો પ્રકાશમાં આવી છે. ખાસ કરીને મતદાર યાદી સુધારણા માટે હાથ ધરવામાં આવતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અર્થાત એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન સાથી કમિશનરોને સંપૂર્ણપણે અંધારામાં રાખીને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આરોપ છે. નવા મતદારો ઉમેરવા, કાયદેસરના મતદારોના નામો અચાનક અને મોટાપાયે રદ કરવા તેમજ સમગ્ર પ્રક્રિયાનું દિલ્હી સ્થિત સેન્ટ્રલાઇઝ્ડ આઈટી સિસ્ટમ મારફતે નિયંત્રણ કરી સ્થાનિક તંત્રને બાયપાસ કરવા જેવી બાબતો પાછળ શંકાસ્પદ ઈરાદા હોવાનું સામે આવી રહ્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અગાઉ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી તંત્રની પારદર્શિતા અને દેશભરમાં ચાલી રહેલી કથિત ‘વોટ ચોરી’ અંગે જે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, ચૂંટણી પંચની તાજેતરની આંતરિક ગતિવિધિઓ અને બહાર આવેલા અહેવાલોથી તે તમામ બાબતોને સંપૂર્ણ પુષ્ટિ મળી રહી છે. લોકશાહીના સૌથી મહત્વપૂર્ણ પાયા સમાન ચૂંટણી પ્રક્રિયા અને બંધારણીય સંસ્થાઓનો આ રીતે ખુલ્લેઆમ દુરુપયોગ કરીને માત્ર અને માત્ર સત્તાધારી પક્ષને ચૂંટણીઓમાં ગેરવાજબી રાજકીય લાભ પહોંચાડવાનું સુનિયોજિત ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનું આવેદનપત્રમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિએ પોતાની માંગણીઓ દોહરાવતા જણાવ્યું હતું કે દેશની લોકતાંત્રિક પ્રણાલી, બંધારણનું રક્ષણ અને ચૂંટણી પંચની ગરિમા પુનઃસ્થાપિત કરવા માટે આ મામલે તાત્કાલિક કડક પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. કોંગ્રેસે જોરદાર માંગ કરી છે કે આ સમગ્ર કથિત ગેરરીતિઓ અને વિવાદો માટે સીધા જવાબદાર એવા મુખ્ય ચૂંટણી કમિશનર સહિત આ સંવેદનશીલ પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામા આપી દેવા જોઈએ. આ સાથે જ મહેસાણા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ સમગ્ર પ્રકરણમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અથવા કોઈ તટસ્થ એજન્સી મારફતે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવે જેથી દેશની જનતાનો લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પરનો વિશ્વાસ અકબંધ રહી શકે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0