આસુરી વૃતિ પર સદ્દવૃતિનો વિજય એવા હોળી-ધૂળેટીના મહાપર્વ વિશે અસમંજશ

March 4, 2023

જયોતિષ અને પંચાંગ અનુસાર તા.6ઠ્ઠી સોમવારના હોલિકાદહન તથા મંગળવારના ધુળેટી પર્વની ઉજવણી 

દ્વારકા, શ્રીનાથદ્વારા તથા હવેલીઓમાં તા. 8મીના રંગોનું પર્વ ધુળેટી ઉજવાશે 

ગરવી તાકાત, મહેસાણા તા. 04-  મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હોળી-ધુળેટીનો તહેવાર ઉમંગ ઉત્સાહથી ઉજવાશે. જયોતિષ અને પંચાંગ અનુસાર તા.6ના સોમવારે હોલિકાદહન તથા તા.7મીના મંગળવારે રંગોનું પર્વ ધુળેટી ઉજવવાનો ઉલ્લેખ છે. જયોતિષીઓ તા.7મીના હોલિકાદહન જણાવે છે જયારે દ્વારકા, શ્રીનાથદ્વારા, હવેલીઓમાં તા.8મીના બુધવારના ધુળેટી પર્વ ઉજવાશે. સ્વામિનારાયણ મંદિરોમાં તા.7મીના ધુળેટી પર્વ મનાવાશે. આ વર્ષે તિથિ ભેદના કારણે લોકોમાં હોળી ધુળેટી પર્વ ઉજવણી બાબતે ભારે દ્વિધા પ્રવર્તતી રહી છે. 

વસંત ઋતુની પરાકાષ્ઠાનું પર્વ હોળી છે. ધુળેટી એટલે રાગરંગ, અબીલગુલાલ અને યૌવનનું પર્વ. ફાગણ સુદ પુનમનો દિવસ એટલે કોમ અને રંગના ભેદભાવ વિના, આબાલ વૃધ્ધ, સૌના જીવનમાં ચેતના ભરી દેતો અને રંગની છોળો ઉછાળતો હોળીનો તહેવાર, હોળી એટલે રંગભરી પિચકારીઓની મસ્ત મહેફીલ.

હોળી-ધુળેટીના ધાર્મિક પર્વ સાથે ભકત પ્રહલાદની અમર યાદ સંકળાયેલી છે. ઇશ્વરના પરમભકત પ્રહલાદનો જાન લેવા અનેક પ્રયત્ન કરનાર કરનાર એના રાક્ષસ પિતા હિરણ્યકશ્યપના જુલમો સિતમોની ત્રાસદાયક ગાથાને આ તહેવાર યાદ કરાવે છે. ઇશ્વરની કૃપાથી કોઇને કોઇ રીતે બચી જતા પ્રહલાદને જીવતો જલાવી દેવા રાક્ષસે પોતાની બહેન હોલિકાને આજ્ઞા કરી, હોલિકાને અગ્નિમાં ન બળે એવું વરદાન હતું. છતાં હોલિકા બળી ગઇ અને પ્રહલાદ જીવતા બહાર નીકળ્યા એ અદભુત ઇશ્વરી ચમત્કાર એટલે આસુરી વૃતિઓ પર સદવૃતિઓનો વિજય. હોળી પ્રગટયા પછી ન બનવાનું બન્યુ અને પ્રહલાદ જીવતા બહાર આવ્યા તેથી અત્યંત આનંદમાં આવી ગયેલા લોકોએ રાત્રે મિષ્ટાન બનાવી ભોજન કર્યુ અને અબીલગુલાલ તથા રંગોની પિચકારીઓ છાંટી તથા વાજીંત્રો વગાડીને પોતાના અંતરનો આનંદ હોળીની રાત્રે અને બીજે દિવસે ધુળેટીએ અભિવ્યકત કર્યો.

હોળીનો તહેવાર દેશભરમાં ઉજવાય છે. પણ આ બધામાં યાદગાર હોય છે. કૃષ્ણ ભગવાનની ભૂમિ વ્રજમાં ખેલાતી હોળી, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર ભારત, રાજસ્થાન વગેરે હોળીની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે. હોળી સમયે શિયાળુ પાક લણણી માટે તૈયાર હોય છે. બાળકો ઘેર ઘેર ફરીને હોળીને લાકડા અને હોળીના પૈસા ઉઘરાવે છે. જાત જાતનાં પંચરંગી લાકડા, છાણા, રવિપાકના ધાન્ય, પૂળા, શ્રીફળ વગેરે ભેગુ કરીને પ્રગટાવવામાં આવતી હોળીની ફરતે હાથમાં પાણીનો લોટો લઇ પાંચ પ્રદક્ષિણા કરવી એ માત્ર ઔપચારિક વિધિ નથી. આ પ્રકારના અગ્નિનો તાપ છાતીને લાગે તો શિયાળા દરમિયાન ફેંફસામાં જામેલો કફ કે શરદીને ભાગવું જ પડે, આ અગ્નિના ધુમાડાથી ઝેરી જીવજંતુઓ આપોઆપ નાશ પામે અને હવા શુધ્ધ થાય, ચણા, ધાણી અને ખજુર ખાવા એટલે આરોગ્યની દ્રષ્ટિએ મોટો ફાયદો. કેસુડાના પાણીથી આ દિવસે ન્હાવા મળે એટલે ચામડીનો તો કોઇ રોગ જ ન થાય. આપણા તહેવારોના આયોજનો પાછળ કેટકેટલી વૈજ્ઞાનિક બાબતો સાંકળી લેવામાં આવી છે.

હોળી-ધુળેટી તો રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે. સૌ કોઇના અંતરને બહેકાવનારૂ ને મહેકાવનારૂ આ તો મસ્તીનું મોજુ છે. આ તો ધરતીનો તહેવાર છે. એ ઘરમાં ન મનાવાય આંગણાને શેરીમાં ખુલ્લા આકાશ નીચે જ એની સાચી રંગત જામે, રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવાનો, ઉંચનીચના અને સ્પૃશ્યાસ્પૃશ્યના ભેદભાવ મિટાવવાનો અને અંધશ્રધ્ધા, બહેનો, અસ્વચ્છતા અને ગંદકીને જલાવી દેવાનો આ મહામૂલો અવસર છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0