વડનગર પોલીસે સાત આરોપીઓ પૈકી બેને ઝડપી પાડ્યાં પાંચને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
ગરવી તાકાત, મહેસાણા તા. 26 – શેરબજારમાં રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકીઓ તેમજ ડબ્બા ટ્રેડીંગના મોટા પાયે ચાલતા જુગાર માટે પંકાયેલ વડનગર પંથકમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે ગ્રાહકોને કોલ કરી છેતરપિંડી કરતી ટોળકીના સાત આરોપીઓ પૈકી બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં ચાલતા જુગાર, પ્રોહિબીશન તેમજ ડબ્બા ટ્રેડીંગ જેવી અસામાજિક પ્રવૃતિઓ કરતાં તત્વોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડનગર પી.આઇ વી.આર.વાણીયાના નેતૃત્વમાં પીએસઆઇ એલ.એમ.પરમાર, એએસઆઇ મુળજીભાઇ, અપોકો. વિષ્ણુભાઇ, વિપુલસિંહ, વિપુલભાઇ, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો
તે દરમિયાન એએસઆઇ મુળજીભાઇને બાતમી મળી હતી કે શેરબજારમાં રોકાણ કરતાં ગ્રાહકોના કોઇપણ રીતે લોકોના કોન્ટેક્ટ નંબર મેળવી સ્ટોક માર્કેટના એજન્ટ તરીકેની ઓળખ આપી શેરબજારમાં વધુ નાણાં કમાઇ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીના ત્રણ ઇસમો વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી બે શખ્સોને વડનગર પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે પાંચ ફરાર હોઇ તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.