ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ભાજપ માટે ગાળાનું હાડકું બની ગયું છે. મોદીની સભાથી રૂપાલાને દૂર રાખવા છતાં આ મામલે નિવેડો આવ્યો નથી
છેલ્લી ઘડીએ પણ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું તો ભાજપને નુક્સાન ભોગવવાની તૈયારી રાખવી પડશે
ગરવી તાકાત, ગાંધીનર તા. 06 – ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ભાજપ માટે ગાળાનું હાડકું બની ગયું છે. મોદીની સભાથી રૂપાલાને દૂર રાખવા છતાં આ મામલે નિવેડો આવ્યો નથી. ક્ષત્રિયો હવે ઝૂકવાના મૂડમાં નથી અને ભાજપના છેલ્લા પ્રયાસો પણ સફળ રહ્યાં નથી. ભાજપે ક્ષત્રિયોમાં ભાગલા પાડીને એમને સેફ ગેમ તો રમી છે પણ ક્ષત્રિયોની રણનીતિથી ભાજપ ટેન્શનમાં છે. છેલ્લી ઘડીએ પણ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું તો ભાજપને નુક્સાન ભોગવવાની તૈયારી રાખવી પડશે. ક્ષત્રિય આંદોલનની અસર રાજ્યની 7 લોકસભા બેઠક પર થવાની સંભાવના છે. ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો બાદ તેમાં સફળતા ન મળતા હવે ભાજપ સાધુ-સંતોને ચરણે પહોંચ્યો છે. સોરઠના સંતો પાસે થઈને ભાજપને નેતાઓ માંગી રહ્યાં છે આશીર્વાદ. આ અગાઉ પણ ભાજપના નેતાઓ લાલબાપુના શરણે ગયા હતા.
ગુજરાતમાં વિકાસ સાઈડલાઈન અને જ્ઞાતિવાદ હાવી-
ગુજરાતમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં સરકારની વાહવાહી અને વિકાસને મામલે નહીં પણ જ્ઞાતિવાદને આધારે લડી રહી છે. ખુદ ભાજપ વિવિધ જ્ઞાતિ સમાજના સંમેલનો યોજી રહી છે. ઉપરાંત વિવિધ સમાજોના આસ્થા કેન્દ્રોએ દર્શન કરવાનું પણ દરેક પક્ષના ઉમેદવારો ચૂકતા નથી. ઉમેદવારો એકબાદ એક સામાજિક સંમેલનો કરી જ્ઞાતિની વોટબેંકને બાજુમાં કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.
આસાન ગણાતી બેઠક પર હવે સમીકરણો બદલાયા:
જામનગર શહેરમાં શુક્રવારે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય સમાજ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાના ભાજપના દાવા વચ્ચે સુરત એક બેઠક તો હવે બિનહરિફ થઈ ગઈ છે. ગુજરાતમાં સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું નાકું કહેવાય છે. જેનો કેટલોક વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે. આ લોકસભા બેઠક એ કોળી સમાજનો ગઢ ગણાય છે. ભાજપ માટે આસાન ગણાતી આ બેઠક પર હવે સમીકરણો બદલાયા છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે ભાજપ માટે સરળ ગણાતી સીટ હવે ટેન્શનનું કારણ બની છે. જય ભવાની ભાજપ જવાનીના નારાથી ક્ષત્રિયોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરી અને કોંગ્રેસમાં મત આપવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના જામ સાહેબની મુલાકાતે ગયા તે સંદર્ભે ક્ષત્રિય સમાજે જામ સાહેબને રામરામ કરી દીધા હતા. દિવાળી તેમજ નવા વર્ષના વાર તહેવારે જામસાહેબને રામ રામ ન કરવાની પ્રતિજ્ઞા ક્ષત્રિય સમાજે લીધી છે.