— યુએસમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મોટો ખુલાસોઃ
— પટેલ પરિવાર જ નહીં પહેલા ગયેલા ત્રણ પરિવારો પણ ગુમ થયાની આશંકા
— એજન્ટ પ્રવાસી વિઝા પર લોકોને થાઈલેન્ડ જેવા નાના દેશોમાં પાંચ દિવસથી એક સપ્તાહ માટે મોકલતો હતો
કેનેડા-યુએસ બોર્ડર પર ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાતના કલોલના ડીગુંચા ગામના એક જ પરિવારના ચાર સભ્યો કાતિલ ઠંડીમાં થીજી ગયા હતા. જે બાદ તેમના મોત નીપજ્યા હતા. આ કેસમાં ડીજીપીએ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી છે. જેમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. જે સંદર્ભમાં ગુજરાત પોલીસે અમેરિકાની તપાસ એજન્સી પાસેથી પણ વિગતો મંગાવી છે.
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના સીઆઇડી ક્રાઈમના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ગુજરાતમાં આ કામમાં સંડોવાયેલી સક્રિય ગેંગના સભ્યોને શોધી કાઢવાનું કામ સોંપાયું છે. નોંધનીય છે કે, અમેરિકાની સ્થાનિક એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચારેય મૃતકોને ગેરકાયદેસર ઘુષણખોરી કરાવવા માટે ગુજરાત , કેનેડા અને અમેરિકાના એજન્ટોની સંડોવણી બહાર આવી હતી.તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે, જગદીશ પટેલે કલોલના પલિયડના તેમજ અન્ય એજન્ટને લાખો રૂપિયા આપીને બનાવટી દસ્તાવેજાે તૈયાર કરાવ્યા હતા. બાદમાં કેનેડા મોકલીને ત્યાંથી તમામને ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરાવવાની ખાતરી આપી હતી. કમનસીબે જગદીશ પટેલનો પરિવાર અમેરિકા પહોંચે તે પહેલા જ મોતને ભેટયા હતા. આ કેસમાં અમેરિકાની તપાસ એજન્સીએ સાત જેટલા એજન્ટની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં જગદીશ પટેલને અમેરિકા મોકલવા માટેની કામગીરી કરનાર એજન્ટ, બનાવટી દસ્તાવેજાે તૈયાર કરનાર, તેમજ અમેરિકા અને ભારતને એજન્ટોને જાેડતી કડી અંગે તમામ વિગતો મેળવવા માટે આદેશ અપાયા છે
આ કેસ સાથે અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જે પ્રમાણે, સ્થાનિક એજન્ટે છેલ્લા ૩ વર્ષમાં લગભગ ૧૦ પરિવારોને કેનેડાની સરહદ દ્વારા યુએસ મોકલ્યા હતા. તેમાંથી ત્રણ પરિવારો ગુમ થયા હોવાની આશંકા છે. તેઓએ ઘરે પાછા પોતાના પરિવારને ક્યારેય સંપર્ક કર્યો નથી.જગદીશ પટેલ (૩૫), તેમની પત્ની વૈશાલી (૩૩), તેમના બાળકો વિહંગા (૧૨), અને ધાર્મિક (૩) ગાંધીનગરના કલોલના ડીગુંચા ગામના રહેવાસી હતા. જેમને કેનેડાથી યુએસમાં ગેરકાયદેસર ધુસાડવામાં આવી રહ્યા હતા. યુએસ-કેનેડા બોર્ડર સુધી -૩૫°ઝ્રની આસપાસ ઠંડીમાં આ લોકો ૧૧ કલાકથી વધુ ચાલ્યા હતા. જગદીશ પટેલ અને તેમનો પરિવાર રાત્રે કડકડતી ઠંડીમાં તેમના અન્ય સાથીઓથી અલગ થઈ ગયો હતો. તેમના મૃતદેહો કેનેડિયન બાજુ પર યુએસ સરહદથી માંડ ૧૦ મીટરના અંતરે મળી આવ્યા હતા
સ્થાનિક એજન્ટ, જેનું નામ પોલીસ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, તેણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પટેલ પરિવારને કેનેડા મોકલ્યા હતા. તે પહેલા અન્ય લોકોને શ્રીલંકા અને સિંગાપોર પણ મોકલતો હતો. છેલ્લા ચાર વર્ષોમાં, તેણે લોકોને કેનેડાની સરહદ મારફતે યુએસ મોકલવાનું શરૂ કર્યું હતુ. પોલીસે કહ્યું, એજન્ટ પ્રવાસી વિઝા પર લોકોને થાઈલેન્ડ જેવા નાના દેશોમાં પાંચ દિવસથી એક સપ્તાહ માટે મોકલતો હતો જેથી તે તેમને પ્રવાસીઓ તરીકે જાહેર કરી શકે. બાદમાં તેમને ટુરિસ્ટ વિઝા પર કેનેડા મોકલી દેતો હતો. ત્યાં ઉતર્યા પછી, આ લોકોને વેન અથવા કારમાં યુએસમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતા હતા.
(ન્યુઝ એજન્સી)