મહેસાણાના ખેરાલુ એપીએમસીમાં ચેરમેન વિરૂધ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. જેમાં તેઓએ પોતાના પદનો દુરૂપયોગ કરી ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનુ સામે આવ્યુ છે. ખેરાલુમાં બનેલ નવિન માર્કેટ યાર્ડની જમીનમાં ગોટાળો કરી ચેરમેન ભીખાલાલ ચૌધરીએ કરોડો રૂપીયા પોતાના ગજવામાં ભર્યા છે. આ મામલે તેમની વિરૂધ્ધ અનેક ફરિયાદો પણ કરવામાં આવી હતી પરંતુ જીલ્લાનુ સરકારી તંત્ર તેમની તરફદારીમાં હોઈ તથા ભાજપના મોટા નેતાઓની તેમની ઉપર રહેમનજર હોઈ તેમની વિરૂધ્ધ આજદિન સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
લોકસભાના સાંસદ ભરતસીંહ ડાભીએ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રની કચેરીને પત્ર લખી ખેરાલુ એપીએમસીના ભ્રષ્ટાચારી ચેરમેન ભીખાલાલ ચૌધરીના વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. ખેરાલુ એપીએમસીના ચેરમેનના ભ્રષ્ટાચારની વિરૂધ્ધ ભરતસીંહ ડાભી વારંવાર અવાજ ઉઠાવતા રહ્યા છે. પરંતુ સરકારી તંત્રની તેમની ઉપર રહેમદ્રષ્ટી હોઈ આજદિન સુધી તેમનો વાળ પણ વાંકો થઈ શક્યો નથી.
તમને જણાવી દઈયે કે, ભીખા ચૌધરીએ પોતાના ચેરમેન પદનો દુરૂપયોગ કરી નવિન એપીએમસીની જમીન ખરીદવામાં મોટા પ્રમાણમાં ગોટાળા કરી કરોડો રૂપીયા ઘરભેગા કર્યા છે. ખેરાલુમાં નવિન એપીએમસીની બને તે પહેલા જ તેમને જમીન ખરીદી લીધી હતી. બાદમાં તેમને ચેરમેન પદનો દુરૂપયોગ કરી તેમની ખરીદેલ જમીન ઉપર નવિન એપીએમસી બનાવવાનો નિર્ણય લીધો હતો. એટલુ જ નહી પણ કિશાન બજારની દુકાનોના દરવાજા નવિન માર્કેટયાર્ડમાં રાખી બન્ને બાંધકામ વચ્ચે કોઈ વરંડો કર્યો નહોતો આથી બાદમાં તેમને પોતાના માલિકીની કિશાન માર્કેટની દુકાનો નવિન માર્કેટયાર્ડની છે તેમ દર્શાવ્યુ હતુ. આ મામલે તેમની વિરૂધ્ધ ફરિયાદો પણ કરવામાં આવી હતી પરંતુ મહેસાણાના અધિકારીઓ સાથે તેમની મીલીભગતના પગલે તેઓ સામે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહોતી.
ખેરાલુમાં નવિન માર્કેટયાર્ડ માટે કુલ 14 વિઘા જમીન ખરીદવામાં આવી હતી. એક વિઘાની કિંમત 23.11 લાખ નક્કી કરાઈ હતી. આ જમીન ખરીદીમાં ભીખા ચૌધરીએ 2 ખેડુતોને પૈસા આપવાની જગ્યાએ પોતે ચાઉ કરી ગયા હતા. આ સીવાય એપીએમસની આસપાસના 3 લાગુ સર્વે નંબરવાળી જમીનો પણ ચેરમેનના માલીકીની હોઈ એપીએમસીએ મુળ ભાવ કરતાં પણ વધારે(23.49લાખ) ભાવથી બક્ષીસ લીધેલ છે. પરંતુ 3 લાગુ સર્વે નંબર પૈકી સર્વે નંબર 1199 વાળી જમીનને બક્ષીસ કરેલ નથી. જેની પાછળનો તેમનો ઉદ્યેશ્ય એ હતો કે, તે જમીન પર કોમર્શીયલ બાંધકામ કરી કરોડો રૂપીયા મેળવી શકાય.
ઉલ્લેખનીય છે કે, નવિન એપીએમસીની જમીનમાં શોપ કમ ગોડાઉન બનાવવા કુલ 116 પ્લોટનુ એન.એ. કરાયુ હતુ. આ બાંધકામમાં પણ ભીખા ચૌધરીએ 7.67 કરોડ ચાઉ કરી ગયા છે. જેમાં તેમને ગોડાઉન તથા ફ્રુટ શોપની દુકાનો બનાવવા દરેક પ્લોટ ધારકો પાસેથી 20 લાખ રૂપીયા ઉઘરાવ્યા હતા. જેમાં 6.11 લાખ બજાર સમીતીમાં જમા લેવાયા હતા. અને 13.23 લાખ બાંધકામ માટે લેવાયા હતા. પરંતુ સરકારની વરાહ કલ્પવૃક્ષ યોજના અંતર્ગત બાંધકામ ખર્ચના 50 ટકા સહાય પેટે પ્લોટ ધારકોને ચુકવવાના થાય છે તે સહાયનો એક પણ રૂપીયો પ્લોટ ધારકોને અપાયો નહોતો. પ્લોટ ધારકો પાસેથી 13.23 લાખ બાંધકામ માટે લેવાયા હતા. જેના 50 ટકા 6.61 લાખ થાય પરંતુ આ પૈકી એક પણ રૂપીયાની સહાય પ્લોટધારકોને આપવામાં નહોતી આવી. જે તમામ સહાયની (7.67 કરોડ) રકમ ભીખાલાલ ચૌધરી ચાઉ કરી ગયાનુ ખુલ્યુ છે. જેથી આ મામલે તેમની વિરૂધ્ધ કડક પગલા ભરવા સાંસદ ભરત ડાભીએ રજુઆત કરી છે.