અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા ઈસમની લાશ મળતા દર્શનાર્થીઓમાં ડરનો માહોલ
રાજમહેલની પાછળના ભાગમાં અજાણ્યા ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા તંત્ર સહિત પોલીસ તંત્ર દોડતું થયું
ગરવી તાકાત, ઇડર તા. 09 – (ચિરાગ મેઘા-ઇડર) સાબરકાંઠાનો ઈડરિયો ગઢ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ઈડરિયા ગઢની મુલાકાતે દિવસ રાત મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. રાજમહેલની પાછળના ભાગમાં અજાણ્યા ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા તંત્ર સહિત પોલીસ વિભાગ દોડતું થયું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લાના ખેડબ્રહ્મા તેમજ ઈડર પાંજરાપોળ અને દામોદર એરિયામાં બાળગોપાળ બચત બેંકની મુલાકાતે પહોંચે તે પહેલા જ રાજમહેલ ની પાછળના ભાગમાં અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યાં ઈસમની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ ઈડર રાજમહેલ પાછળના ભાગમાં એક અજાણ્યાં ઈસમની અર્ધ સળગાવેલી હાલતમાં લાશ જોવા મળતા દર્શનાર્થીઓ દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. પોલીસ તંત્રને જાણ કરાતા સ્ટાફ ધટના સ્થળે પહોચી મૃતક ઈસમની હત્યા થઈ છે કે પછી તેને પોતે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસતો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે પોલીસે હત્યા થઈ હોવાની શંકાને લઈ એફ.એસ.એલ સહિતની ટીમની મદદ લઇ મૃતક ઈસમની લાશને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડામાં આવી હતી. જૉકે હાલના સમયે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


