વડાપ્રધાન મોદી આગામી 12મીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેવા સમયે હથિયારનો જથ્થો મળ્યોં
પાટનગર સરગાસણમાં સ્વાગત એફોર્ડ ફલેટના બેજમેન્ટમાં કેટલાક દિવસોથી એક કાર બીનવારસી પડી હતી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 09 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એવા સમયે જ ગાંધીનગરમાંથી ગેરકાયદે હથીયારોનો જથ્થો ઝડપાતા ખળભળાટ સર્જાયો છે અને પોલીસ સહિતની સુરક્ષા એજન્સીમાં દોડધામ થઈ પડી છે.
પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે પાટનગર ગાંધીનગરના સરગાસણમાં આવેલ સ્વાગત એફોર્ડ ફલેટના બેજમેન્ટમાં કેટલાક દિવસોથી એક કાર બીનવારસી પડી હતી. ઘણા દિવસોથી આ કારનો કોઈ ધણીધોરી થતો ન હોવાથી ફલેટના રહેવાસીઓએ પોલીસ તંત્રને જાણ કરી હતી તેને પગલે પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને કારની ચકાસણી કરતા તેમાંથી બે રીવોલ્વર, બે દેશી તમંચા તથા 300 જીવતા કારતુસ મળી આવતા પોલીસ તંત્ર સ્તબ્ધ બન્યું હતું અને કારના નંબરના આધારે ચકાસણી કરવામાં આવતા તે ડમી નંબર હોવાનું બહાર આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મીએ ગુજરાત આવવાના છે અને તે માટે સુરક્ષા સહિતની એજન્સીઓ તૈયારીમાં વ્યસ્ત બની છે એવા સમયે પાટનગર ગાંધીનગરમાંથી હથીયારોનો જથ્થો ઝડપાતા પોલીસ તંત્ર ખળભળી ગયું છે. આ કાર કોની છે? તેમાં હથીયારો કયાંથી આવ્યા? આ હથીયારોનો ઉપયોગ કયાં કરવાનો હતો સહિતના મુદાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ તપાસમાં ઝુકાવ્યું છે.


