ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં બોગસ ડિગ્રીના આધારે તબીબી સારવાર કરતા ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, પાલનપુર SOG શાખાએ અમીરગઢ વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઈ. જે.જે. સરવૈયા અને તેમની ટીમે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન, તેમને કપાસિયા ગામમાં દિનેશવાઘાભાઈ વાંસીયા નામનો વ્યક્તિ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમીના આધારે, SOG ટીમે ખારા, અમીરગઢના મેડિકલ ઓફિસરને જાણ કરી તેમની અને ફાર્માસિસ્ટની મદદ લીધી હતી. બે પંચોને સાથે રાખીને કપાસિયા ગામમાં દિનેશભાઈ વાઘાભાઈ વાંસીયાના દવાખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો.
![]()
દરોડા દરમિયાન, દિનેશભાઈ વાઘાભાઈ વાંસીયા (રહે. વેરા કેદારનાથ રોડ, વાંસીયા વાસ, અમીરગઢ) પાસેથી વિવિધ કંપનીઓની દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 17,915.62 આંકવામાં આવી છે. કોઈપણ માન્ય ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ તેની સામે અમીરગઢ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


