— મહેસાણાની સાત બેઠકોમાં ભાજપના દાવેદારોના માનસપટમાં એક જ ચિંતા હતી કોને આવકાર મળશે કોને ઝાકારો :
— ૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર ઇફેક્ટને કારણે બહુચરાજી અને ઊંઝાની બેઠક ભાજપે ગૂમાવી હતી :
— ૨૦૨૨ની ચૂંટણીમાં પાટીદાર ફેવર ઇફેક્ટથી મહેસાણાની ૭ શીટો પર ભાજપનો દબદબો રહેશે :
— ભાજપમાં દાવેદારી કરતાં મૂરતિયાઓના નામ જાહેર થતાં કહી..ખુશી ..કહી ગમ
ગરવી તાકાત મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપના ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે ૧૬૦ બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગઈ કાલે દિલ્હી ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીે ૬૯ ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે ૩૮ ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં ૧૪ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ટિકીટ વાચ્છુકો જે પ્રકારે આતુરતાથી રાહ જાેઇ રહ્યા હતા તે આતુરતાથી દાવેદારોના નામનો ખુલાસો પક્ષ દ્વારા ક્યારે કરવામાં આવે તેની પણ આતુરતાથી રાહ જાેઇ રહ્યા હતા ત્યારે આજે ભાજપ દ્વારા પોતાના ૧૬૦ ઉમેદવારોના લીસ્ટની યાદી બહાર પાડવામાં આવતાં મહેસાણા જિલ્લાની સાત બેઠકો પૈકી માત્ર ખેરાલુ બેઠક પર કેટલીક અસમંજસને કારણે ખેરાલુ બેઠકના ઉમેદવારનું નામ હજુ જાહેર કરાયું નથી. મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ ગણવામાં આવી છે. પરંતુ ગત ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના કારણે મહેસાણા જિલ્લાની સાત બેઠકો પૈકી બે બેઠકો ઉપર કોંગ્રેસે મેદાન મારી ગઇ હતી.
બહુચરાજીમાં કોંગ્રેસમાંથી ભરતજી ઠાકોર અને ઊંઝામાંથી સ્વ. આશાબેન પટેલ વિજય બન્યા હતા. જાે કે ૨૦૧૯માં સ્વ. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જાેડાયા હતા અને ઊંઝામાં ફરી યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપમાં સ્વ. આશાબેનનો ફરીથી વિજય થતાં ભાજપે ૨૦૧૯માં ફરીથી ઊંઝાનો કિલ્લો પોતાના નામે કર્યો હતો. જાે કે ૨૦૧૭માં ઊંઝા, બહુચરાજીને બાદ કરતાં મહેસાણા, વિસનગર, વિજાપુર, કડી અને ખેરાલુમાં ભાજપનો વિજય થયો હતો.
આ વખતની ચૂંટણીમાં મહેસાણા વિધાનસભાની સાત બેઠકો પર ભાજપનો દબદબો જાેવા મળવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ગત ૨૦૧૭ વખત મોટાભાગના નારાજ પાટીદારોના રોષના કારણે ભાજપની વોટબેંક તૂટી હતી પરંતુ આ વખતની ચૂંટણીમાં પાટીદાર ફેકટર પણ ભાજપ તરફી જ વલણ રહેવાનું છે જેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારોને થશે. આ વખતે મહેસાણા, કડી, બહુચરાજી, ઊઝા, વિસનગર, વિજાપુર અને ખેરાલું બેઠક પર ભાજપનો ભગવો લહેરાવીને મહેસણા જિલ્લાને ફરી એકવાર ભાજપનો ગઢ સાબિત કરશે.
ઉત્તર ગુજરાતમાં ભાજપે કયાં ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા : (મહેસાણા) ઉંઝા – કિરીટીભાઈ પટેલ : વિસનગર – રુષિકેશ પટેલ : બેચરાજી – સુખાજી સોમાજી ઠાકોર : કડી – કરસનભાઈ સોલંકી : મહેસાણા – મુકેશ પટેલ : વિજાપુર – રમણભાઈ પટેલ (બનાસકાંઠા) : વાવ – સ્વરુપજી ઠાકોર : થરાદ – શંકર ચૌધરી : ધાનેરા – ભગવાનજી ચૌધરી : દાંતા – લઘુભાઈ પારઘી : વડગામ – મણીભાઈ વાઘેલા : પાલનપુર – અનિકેતભાઈ ઠાકર : ડીસા – પ્રવિણ માલી : દીયોદર – કેશાજી ચૌહાણ : કાંકરેજ – કિર્તીસિંહ વાઘેલા (પાટણ) : ચાણસ્મા – દિલીપ ઠાકોર : સિધ્ધપુર – બલંવતસિંહ રાજપુત : (સાબરકાંઠા) : ઈડર – રમણલાલ વોરા : ખેડબ્રહ્મા – અશ્વિનભાઈ કોટવાલ : ભીલોડા – પુનમભાઈ બરંડા (અરવલ્લી) : મોડાસા – ભીખુભાઈ ચૌહાણ : બાયડ – ભીખીબેન ચૌહાણ : પ્રાંતિજ – ગજેન્દ્ર પરમાર : (ગાંધીનગર) દહેગામ – બલરાજસિંહ ચૌહાણ
— ઇડબલ્યુએસના ૧૦ ટકા આરક્ષણની લીલીઝંડીથી પાટીદારો ભાજપને ફાયદારૂપ સાબિત થશે :
અગાઉ નરેન્દ્ર મોદીએ ઇડબલ્યુએસના ૧૦ ટકા આરક્ષણ લાગુ કરવાના કરેલા નિર્ણયનો દક્ષિણ ભારતની રાજકિય પાર્ટીઓએ ભારે વિરોધ દર્શાવી બંધારણનો ભંગ કરવામાં આવ્યો હોવાનું રટણ ચાલુ રાખતાં આખરે કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ઘા નાખતાં તાજેતરમાં સુપ્રિમ કોર્ટના પાંચ જજની બેંચ દ્વારા ઇડબલ્યુએસને આરક્ષણ મુદ્દે ચૂકાદો આપ્યો હતો જેમાં ત્રણ જજાે દ્વારા આરક્ષણ લાગુ કરવા પર મહોર મારી હતી જ્યારે બે જજાેએ બંધારણના નિયમનું ઉલ્લઘન જણાવ્યું હતું પરંતુ ત્રણ જજાેની બહુમતિથી ઇડબલ્યુએસને ૧૦ ટકા આરક્ષણ નિતી નિયમોને આધારે યોગ્ય ઠરાવતાં હવે કોઇપણ રાજ્ય સરકાર આ આરક્ષણનો લાભ સવર્ણોને આપી શકે છે જેનો સીધો ફાયદો પાટીદારોના કેટલાક ગરીબ પરિવારોને મળશે જેની સીધી અસર ગણવામાં આવે તો પાટીદારો ભાજપથી ખુશ હોવાથી ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં પાટીદારો ભાજપ માટે ફાયદારૂપ સાબિત થશે.


