મહેસાણાના કડીમાં એક ખાનગી કંપનીમાં મશીનનું હેન્ડલ પકડવા જતાં યુવકનું મોત થતાં 13 મહિના બાદ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટનાની તપાસને અંતે પેઢીના જવાબદાર વ્યક્તિની બેદરકારીને કારણે યુવકનું મોત થયાનું ખુલતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
ગત તા.18-07-2020ના રોજ સેલોરેપ કંપનીમાં કામ કરતાં દિનેશભાઇ રસુલભાઇ માવી (ઉ.વ.19) કોમ્પેક્ટ મશીનનું નીચેનું હેન્ડલ પકડવા જતાં તેમણે કરંટ લાગતાં મોત થયુ હતુ. જે બાદમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓએ સ્થળ પરિક્ષણ કર્યુ હતુ. આ સાથે તપાસમાં સ્થળ પર કોઇપણ પેનલ કે વાયરિંગમાં ઇ.એલ.સી.બી.નો ઉપયોગ કર્યો ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વિગતો મુજબ પેઢીના જવાબદાર વ્યક્તિએ ઇ.એલ.સી.બી. સ્વિચની વ્યવસ્થા કર્યા વગર બધા વાયર અસુરક્ષિત રીતે કંપનીના ભોંયતળીયામાં પાથરેલા રાખી બેદરકારી દાખવી કામ ચાલુ રખાવતાં દુર્ઘટના બની હોવાનું ખુલ્યુ છે. સમગ્ર મામલે મૃતકના પરીજને કડી પોલીસ મથકે એન.જી.પટેલ પેઢીના જવાબદાર વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ શરૂ કરાઈ છે.