મોટાભાગનો વિસ્તાર કોરોધાકોર રહેતાં ગરમી સવા ડિગ્રી સુધી વધતાં આકરા તાપ સાથે પરસેવે રેબઝેબ કરનાર ઉકળાટનો સામનો કરવો પડ્યો
કચ્છ ઉપર બનેલી સિસ્ટમના કારણે આગામી ત્રણેક દિવસ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદ પડવાની શક્યતા
ગરવી તાકાત, મહેસાણા તા. 12 – ઉત્તર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદે આંશિક વિરામ લીધો છે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે પરંતુ મોટા ભાગના વિસ્તાર કોરો રહ્યો છે, જેના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, ભેજવાળા વાદળોના કારણે ઉકળાટમાં સતત વધારો નોંધાયો છે.
વર્તમાન સમયે તાપમાન 35.7થી 36.7 ડિગ્રીની વચ્ચે પહોંચી ગયું છે . પરંતુ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાના કારણે દિવસ રાતના તાપમાનમાં વધઘટ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. મોટાભાગનો વિસ્તાર કોરોધાકોર રહેતાં ગરમી સવા ડિગ્રી સુધી વધતાં આકરા તાપ સાથે પરસેવે રેબઝેબ કરનાર ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, કચ્છ ઉપર બનેલી સિસ્ટમના કારણે આગામી ત્રણેક દિવસ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આશા જાગી છે. ઉત્તર ગુજરાતમાં બુધવાર સાંજે 6 થી ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધીમાં 5 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. જેમાં બહુચરાજી અને બાયડમાં અડધા ઇંચ ઉપરાંત હારીજમાં 3 મીમી, સમીમાં 2 મીમી અને શંખેશ્વરમાં 1 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.
ગુરૂવારે ઉત્તર ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કોરોધાકોર રહેવાના કારણે દિવસનું તાપમાન સવા ડિગ્રી સુધી ઉચકાયું હતું. જેને લઇ મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 35.7થી 36.7 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 35.5 ડિગ્રીથી વધુ તાપમાનના કારણે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પરસેવે રેબઝેબ કરતાં ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રચાઇ છે. જેના કારણે આગામી ત્રણેક દિવસ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા બની છે. જેને લઇ દિવસ-રાતના તાપમાનમાં પણ સામાન્ય વધ-ઘટ થઇ શકે છે.