ખેરાલુની નરતોલ કેનાલમાંથી એક આધેડવયના પુરુષની લાશ મળી આવતા આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામેલ હતી. કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે તીક્ષ્ણ હથીયારો વડે મોત નીપજાવી લાશને કેનાલમાં ફેંકી દીધી હોય એમ પ્રથમ દ્રષ્ટીએ જાણવા મળી રહ્યુ છે.
મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ નરતોલ કેનાલમાંથી ક્ષીણ હાલતમાં આશરે 40 વર્ષની ઉમરના પુરૂષની લાશ મળી આવતા આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. નરતોલ કેનાલમાંથી લાશ મળી આવતા પોલીસને તુરંત જાણ કરવામાં આવી હતી. પોલીસને આ વાતની જાણ થતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી આવી કાર્યવાહી હાથ ધરી હતી. અજાણ્યા શખ્સની લાશ મળી આવતા પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ કે, કોઈ શખ્સોએ મૃત્યુ પામેલ વ્યક્તિને માથાના ભાગે તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરી તેનુ મોત નીપજાવ્યુ હતુ.
લાશના માથાના ભાગે 7 ઈંચ જેટલો લંબો ઘા જોવા મળી રહ્યો છે. આ શખ્સની હત્યા કરી તેને ઘસેડવામાં આવ્યો હતો જેથી તેના ઢીંચણનો ભાગ પણ છોલાઈ ગયેલો છે. હત્યારાઓએ આ વ્યક્તિના નખ પણ ઉખાડ્યા હતા. ત્યાર બાદ તેને ચાલુ કેનાલમાં લાશ ને ફેંકી ફરાર થઈ ગયેલા એમ પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે.
અજાણ્યા શખ્સની લાશ પરથી કોઈ આધાર પુરાવો નહી મળતા તેની ઓળખ થયેલ નથી જેથી ખેરાલુ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાના આરોપસર કલમ 302,114 તથા જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.