ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સવાલાથી કમાણા ગામ તરફ જવાના માર્ગે પર ટ્રેક્ટરની ટક્કર વાગતાં રિક્ષામાં બેઠેલા તરભના યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. વિસનગર તાલુકાના ઉમતા ગામના અને હાલ તરભના ગોકળપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર ભીખાજી કેશાજીનો દીકરો સંજયજી દઢિયાળ મુકામે રહેતા ભીખાજીની સાળી ટીનીબેનના ઘરે ગયો હતો.
જ્યાંથી સંજયજી પરત ગોકળપુરાથી આવવા માટે રિક્ષામાં બેઠા હતા. ત્યારે સવાલા ગામથી કમાણા જવાના રોડ ઉપર પૂરઝડપે આવતા ટ્રેક્ટરના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં તેમાં બેઠેલા સંજયજીને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ટ્રેક્ટરચાલક ટ્રેક્ટર મૂકી ફરાર થઇ ગયો હતો.
આ બનાવ અંગે ભીખાજી ઠાકોરે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે સંજયજીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવી ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષામાં બેઠેલા ચાલક કે અન્ય કોઇને ઇજા પહોંચી છે કે નહીં તે અંગે માહિતી મળી ન હતી.


