મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના મંત્રીએ માર્ગ અને મકાન વિભાગમાં ટયુબવેલ પુરવા રજૂઆત કરી
બંધ ટયુબવેલના ખાડાના કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમાય તેવી સ્થિતિ
ગરવી તાકાત, મહેસાણા તા. 31 – મહેસાણા કેન્દ્રીય વિદ્યાલય તરફ જતાં મેઇન રોડ પર વર્ષોથી બંધ હાલતમાં પડેલ ટયુબવેલની આજુબાજુ પોલાણ પડેલ છે. આશરે પાંચથી છ ફૂટ ઊંડો અને ર ફૂટ પહોળો ખાડો પડી ગયેલ છે. આ રોડ પરથી હજારો વિદ્યાર્થીઓ પસાર થાય છે. ચોમાસાની ઋતુમાં આ પોલાણવાળા ખાડામાં પાણી ભરાતાં એની ઊંડાઇ દેખાઇ શકે તેમ નથી. જેથી કોઇ મોટી દુર્ઘટના થવાની શક્યતા રહેલી છે.

જે બાબતે મહેસાણા માર્ગ એન્ડ મકાન વિભાગમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી પાર્થ રાવલે આ બાબતે ભવિષ્યમાં કોઇ મોટી હોનારત ન સર્જાય તે માટે ટયુબવેલનું પુરાણ અથવા તેનો ઝડપીમાં ઝડપી નિકાલ કરવાની રજૂઆત કરી છે. આ પોલાણને લીધે કોઇના લાડકવાયા દિકરા કે દિકરીનો જીવ જોખમાય તેમ છે. જેથી વિદ્યાર્થીઓનું જીવન જોખમાન નહી તે માટે આ બાબતની ગંભીરતાથી નોંધ લઇ તેનું ઝડપી નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
જો આ બાબતે ચોમાસાની મોસમ દરમિયાન કોઇ તાત્કાલિક ધોરણે નિરાકરણ નહી કરવામાં આવે અને ભવિષ્યમાં કોઇ હોનારત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ ગણાશે. ત્યારે અગમચેતી પગલાના ભાગરૂપે આ બંધ હાલતમાં વર્ષોથી પડેલ ટયુબવેલનું નિરાકરણ લાવવામાં આવે તેવુ સ્થાનિક રહીશો પણ ઇચ્છી રહ્યા છે.


