મહેસાણા એલસીબીની ટીમે રીઢા ચેઇન સ્નેચરને આબાદ રીતે દબોચી લીધો
ત્રણ વર્ષનો જેલવાસ ભોગવી ચૂકેલા રીઢા ચેઇન સ્નેચર ૧૫ લૂંટની ઘટનાને અંજામ આપ્યોં
રસ્તા પર એકલી પસાર થતી મહિલાઓના ગળામાંથી દોરાની લૂંટ ચલાવતાં હતા
દોરાની લૂંટ ચલાવી મોટર સાયકલ પર રફૂચક્કર થઇ જતાં હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 17 – મહેસાણા જિલ્લામાં અનેક સોનાના દોરાની ચીલઝડપની ઘટનાઓ બની છે ત્યારે દોરાની ચીલઝડપ કરવામાં માહીર બનાસકાંઠાના બે રીઢા ચેઇન સ્નેચર પૈકી એક શખ્સને વડનગર તરફથી દબોચી લેવામાં આવ્યોં છે. મહેસાણા સહિત ગુજરાતના અનેક શહેરોમાં રસ્તા પરથી પસાર થતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની ઝૂંટવી બાઇક પર ફરાર થવાની ૧૫ જેટલી સોનાના દોરાની ચીલઝડપની ઘટનાઓને અંજામ આપ્યોં છે. જેમાં પાંચ દોરાની લૂંટની ઘટનાની કબુલાત પણ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સમક્ષ કરી છે. 
મહત્વની બાબત છે કે આ રીઢા ચીલઝડપ કરનાર બંન્ને ભાઇઓ આ અગાઉ ત્રણ વર્ષનો જેલવાસ ભોગવી ચૂક્યાં હોવા છતાં પણ દોરાની ચીલઝડપનો સીલસીલો યથાવત રાખી દોરાની ચીલઝડપનો સીલસીલો જારી રાખ્યોં હતો પરંતુ મહેસાણા એલસીબીની ટીમે આબાદ રીતે આ ગઠિયાને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. જાે કે આ બધી ઘટનાઓને અંજામ આપનાર અન્ય આરોપીને ઝડપી પાડવાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સોનાના દોરાની લૂંટ ચલાવવામાં મહારથ હાંસલ કરેલા રીઢા ચેઇન સ્નેચર પોલીસના સકંજામાં આવ્યો છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ જે.પી.રાવના રાહબરી હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જાેષી તથા સ્ટાફના રાજેન્દ્રસિંહ, આશાબેન, રોહિતભાઇ, પીયુષકુમાર, રમેશભાઇ, સંજયભાઇ સહિતનો સ્ટાફ વડનગર તરફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ રાજેન્દ્રસિંહ તથા સંજયભાઇને ખાનગી રાહે માહિતી મળી હતી કે, સોનાના દોરાની લૂંટની ઘટનાઓને અંજામ આપનાર રીઢો ચેઇન સ્નેચર વડનગર તરફ મોટર સાયકલ નંબર જીજે૦૨-બીસી-૫૯૧૫ લઇને ઉભો છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ બતાવેલ જગ્યાં પર પહોંચી હતી. 
જ્યાં મોટર સાયકલ લઇને ઉભેલા શખ્સ રાજાસીંગ નારસીંગ બાધા સરદાર રહે. થરા નંદનવન સોસાયટીવાળાને પકડી તેની તલાસી લેતાં તેની પાસેથી મોબાઇલ મળી આવ્યોં હતો જ્યારે ખીસ્સાની તલાસી લેતાં ખિસ્સામાંથી તૂટેલી સોનાના ચેઇન કિંમત રૂા. ૯૬ હજાર, સોનાની રણી કિંમત રૂા. ૧૬,૫૦૦ તથા મોટરસાયકલ અને મોબાઇલ મળી કુલ રૂા. ૧,૨૩,૫૦૦ના મુદ્દામાલ સાથે દોરાની લૂંટ ચલાવનાર રીઢા ચેઇન સ્નેચર રાજાસીંગ નારસીંગને બાધાને દબોચી લીધો હતો. જ્યારે વધુ પુછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તેની સાથે અન્ય એક શખ્સ રામજાને નારસીંગ બાધા સરદાર ભેગા મળી લૂંટની ઘટનાઓને અંજામ આપતાં હતા.
સોનાના દોરાની ચીલઝડપમાં માહિર રાજાસીંગ તથા રામજાને બંન્ને ભાઇઓએ મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આતંક મચાવ્યો હતો જેમાં પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, મોરબી તથા રાજકોટ ખાતે અનેક સોનાના દોરાની લૂંટની ઘટનાઓને અંજામ આપી બાઇક પર ફરાર થઇ ગયા હતા. જાે કે આ બંન્ને રીઢા ચેઇન સ્નેચરોએ અત્યાર સુધી ૧૫ જેટલી દોરાની લૂંટની ઘટનાઓને અંજામ આપ્યોં છે. આ ઉપરાંત આ બંન્ને શખ્સો મોરબી, રાજકોટ તથા ભુજની જેલોમાં ત્રણ વર્ષનો જેલવાસ પણ ભોગવી ચૂક્યાં છે.


