કડીથી છત્રાલ જતા માર્ગ પર બનેલા ગમખ્વાર અકસ્માત મામલે પોલીસ ફરિયાદ દાખલ

November 27, 2026

કડી હાઈવે ત્રણ રસ્તા નજીક ટ્રકની ટક્કરથી બાઈકસવાર યુવકના મોત મામલે ફરાર ચાલક સામે ગુનો નોંધાયો

ગરવી તાકાત

કડી હાઈવે ત્રણ રસ્તા નજીક કડીથી છત્રાલ જતા રોડ પર ગત 16 નવેમ્બરના રોજ રાત્રિના સમયે ટ્રકની ટક્કરથી બાઈકસવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતના મામલે મૃતક યુવકના મોટા ભાઈએ પરિવાર સાથે મળીને માનસિક રીતે સ્વસ્થ થયા બાદ કડી પોલીસ મથકમાં ફરાર ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી સત્યનારાયણનગરની રાવજી પટેલની ચાલીમાં રહેતા દીલીપ રામબરન રામદુલારી (ઉં.વ. 33) ઈસનપુર ખાતે ભારત પેટ્રોલપંપમાં ફિલર તરીકે નોકરી કરે છે. તેમનો સૌથી નાનો ભાઈ દીપાંશુ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી ટોરેન્ટ ફાર્મા કંપનીમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત 16 નવેમ્બરના રોજ દીપાંશુ પોતાની ટી.વી.એસ. રાઈડર બાઈક (નં. જીજે-27-એફ.એમ.-2576) લઈને દેત્રોજ તાલુકાના રામપુરા ગામે રહેતી પોતાની બહેન ગુંજનબેનના ઘરે ગયો હતો અને બહેનને મળીને રાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો.

દરમિયાન સાંજે આશરે 8.30 વાગ્યાના સુમારે દીલીપભાઈના મોબાઈલ પર દીપાંશુના જ ફોન પરથી કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે દીલીપભાઈને જણાવ્યું હતું કે, કડી હાઈવે ત્રણ રસ્તા નજીક કડીથી છત્રાલ જતા રોડ પર જગતદર્શન સોસાયટી આગળ બાઈકચાલકનો અકસ્માત થયો છે અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે કડી કુંડાળ સરકારી દવાખાને લઈ જવામાં આવી રહ્યો છે. આ દુઃખદ સમાચાર મળતા જ દીલીપભાઈ તથા તેમના કાકાના દીકરા અનુજ અને ઉમેશ તાત્કાલિક કુંડાળ સરકારી દવાખાને દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દીપાંશુને તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કડી પી.એમ. રૂમ ખાતે ખસેડાયો હતો. પી.એમ. રૂમમાં પરિવારજનોએ જોતા દીપાંશુને પેટના ભાગે ગંભીર ઈજા અને નાકમાંથી લોહી નીકળેલું જોવા મળ્યું હતું.

બનાવ સ્થળેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ, રાત્રે આશરે 8.15 વાગ્યાના અરસામાં ટ્રક નં. આર.જે.-11-જીબી-9006ના ચાલકે પોતાનું વાહન અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને દીપાંશુની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દીપાંશુને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રકચાલક અકસ્માત સર્જીને પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

અકસ્માતની ઘટના બની ત્યારે દીપાંશુના પિતા આ મામલે વધુ તપાસ કરાવવા માંગતા ન હોવાથી પરિવારે તે સમયે આગળની પોલીસ કાર્યવાહી કરવાની ના પાડી હતી. જોકે, આઘાતજનક ઘટના બાદ હવે પરિવાર માનસિક રીતે સ્વસ્થ થતા દીલીપભાઈએ કડી પોલીસ મથકમાં પહોંચીને ફરાર ટ્રકચાલક વિરુદ્ધ વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. કડી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0