રાધનપુર-સમી હાઈવે પર ફિલ્મી ઢબે પીછો કરીને 18.31 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
બાસ્પા ગામ પાસે ભાગતી વેળાએ મોબાઈલ પડતાં આરોપી રોડ પર ફસડાયો, રાજસ્થાનના શખસની ધરપકડ કરી 5 સામે ગુનો નોંધાયો

ગરવી તાકાત
પાટણ જિલ્લાના રાધનપુર-સમી હાઈવે પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાસ્પા ગામની સીમમાંથી રૂપિયા 8.11 લાખની કિંમતની વિદેશી દારૂ અને બિયરની કુલ 3,807 બોટલો ભરેલી સફેદ મહિન્દ્રા બોલેરો કાર સાથે રાજસ્થાનના એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કાર, દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 18,31,146 નો મુદ્દામાલ કબજે કરીને આ મામલે કુલ 5 શખસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરીંગ યુનિટની ટીમ પાટણ જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલ અને પ્રોહીબીશન અંગે સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ટીમને રાધનપુર ખાતે સમી ચોકડી પાસે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, GJ-08-FA-4227 નંબરની સફેદ મહિન્દ્રા બોલેરો કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરીને સમી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તુરંત જ ખાનગી વાહનમાં શંકાસ્પદ બોલેરો કારનો પીછો શરૂ કર્યો હતો.
પીછો કરવા દરમિયાન ગોચનાદ ગામની સીમમાં બનાસ નદીના પુલ પહેલાં પોલીસે આડશ ઉભી કરીને કારને રોકવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાકડી વડે કારના કાચ પર ફટકા મારી ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં ચાલકે કાર રોકવાને બદલે તૂટેલા કાચ સાથે જ વાહનને અત્યંત ગફલતભરી અને સર્પાકાર રીતે હંકારીને પરત રાધનપુર તરફ ભાગવાનું શરૂ કર્યું હતું.
પોલીસે સતત પીછો ચાલુ રાખતા બાસ્પા ગામની હદમાં આવેલા HP પેટ્રોલ પંપ પાસે આગળ જતાં ચાલક વાહનને ઓવરટેક કરી શક્યો ન હતો. જેના કારણે તેણે કાર સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને નીચે ઉતરીને પગપાળા ભાગવા લાગ્યો હતો. ભાગતી વખતે અચાનક તેના ખિસ્સામાંથી મોબાઈલ નીચે પડી જતા તે રોડ પર ફસડાઈ પડ્યો હતો અને પોલીસે તકનો લાભ લઈ તેને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલો શખસ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ગુડામાલાણી તાલુકાના મોખાવા ગામનો 26 વર્ષીય સુરેશકુમાર રામારામ ગોદારા (બિશ્નોઈ) હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ આ બોલેરો કારને સમી પોલીસ સ્ટેશન લાવીને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારની અંદર કાળા કપડા નીચે સંતાડેલી વિદેશી દારૂ અને બિયરની કુલ 3,807 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 8,11,146 થાય છે. પોલીસે દારૂ અને બિયરના આ જથ્થા ઉપરાંત રૂપિયા 10,00,000 ની કિંમતની મહિન્દ્રા બોલેરો કાર અને રૂપિયા 20,000 ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 18,31,146 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ પૂછપરછમાં આરોપી સુરેશકુમારે કબૂલાત કરી હતી કે, તેના મોટા રામારામ પુત્રએ રાજસ્થાનના સાંચોર તાલુકાના બીરાવા ગામે કોઈ જાટ નામના શખસના ઠેકા પરથી આ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને વોટ્સએપ પર હારીજના જલારામ મંદિર પાસેનું લોકેશન મોકલ્યું હતું, જ્યાં આ કાર અન્ય શખસને સોંપવાની હતી. તપાસમાં એ પણ ખુલ્યું છે કે આ બંને વિરુદ્ધ અગાઉ પણ લાંઘણજ અને બાલીસણા પોલીસ મથકમાં દારૂના ગુના નોંધાયેલા છે. આ સમગ્ર પ્રકરણમાં સમી પોલીસે સુરેશકુમાર, બીરાવાનો જાટ શખસ, ફાસ્ટેગ ધારક અને દારૂ મંગાવનાર અજાણ્યા શખસ સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.