ગુજરાતમાં માત્ર ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થતાં ખેડૂતોમાં ભભૂકતો અસંતોષ: હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાયને નેતાઓએ ‘ક્રૂર મજાક’ ગણાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી

ગરવી તાકાત
ગુજરાતમાં ચાલુ વર્ષે નહિવત અને અનિયમિત વરસાદને પરિણામે ખેતી પાકો સુકાઈ જતાં ખેડૂતો ગંભીર સંકટમાં મુકાયા છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં માત્ર ચાર જિલ્લાઓને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે હેક્ટરદીઠ અંદાજે ૮,૫૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ઉગ્ર રોષ ફેલાયો છે. વાસ્તવિકતા એ છે કે આ ચાર જિલ્લાઓ ઉપરાંત રાજ્યના અન્ય ૧૫ જિલ્લાઓના ૪૫ તાલુકાઓ એવા છે જ્યાં વરસાદની ખાધ ૪૦ ટકાથી લઈને ૭૦ ટકા સુધી નોંધાઈ છે, છતાં પણ સરકારે આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોને અછતની યાદીમાંથી બાકાત રાખ્યા છે. આ આંકડાકીય વિસંગતતામાં સૌથી ગંભીર સ્થિતિ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની છે, જ્યાં ૭૦.૧૨ ટકા જેટલી વરસાદની તોતિંગ ઘટ નોંધાઈ છે. આ ઉપરાંત વાવ-થરાદ પંથકના વાવ તાલુકામાં ૬૧.૧૭ ટકા, જૂનાગઢના વંથલીમાં ૬૦.૨૬ ટકા, મહેસાણા જિલ્લાના ઊંઝા પંથકમાં ૫૫.૫૨ ટકા તેમજ અરવલ્લીના માલપુર તાલુકામાં ૫૪.૮૬ ટકા જેટલી વરસાદની ઘટ હોવા છતાં આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. પડોશી રાજ્ય રાજસ્થાન દ્વારા ઓછો વરસાદ ધરાવતા ૧૪ જિલ્લાના ૮૦ જેટલા તાલુકાઓમાં વ્યાપક દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોની પડખે ઊભા રહેવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે ગુજરાત સરકારે માત્ર ચાર જિલ્લા પૂરતી જાહેરાત કરીને મોટાભાગના અસરગ્રસ્ત તાલુકાઓને સહાયથી વંચિત રાખી દીધા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
જિલ્લા કક્ષાએ સરેરાશ વરસાદની ગણતરી કરવાના સરકારી ધારાધોરણોને કારણે વાસ્તવિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો પીસાઈ રહ્યા છે. કોઈ એક જિલ્લામાં સરેરાશ વરસાદ વધુ દેખાતો હોય છતાં તેના ચોક્કસ તાલુકાઓમાં વરસાદની ભારે ખેંચ હોય છે, પરિણામે તાલુકાવાઈઝ જાહેરાત ન થવાને લીધે વાસ્તવિક નુકસાન વેઠનારા ખેડૂતો સરકારી મદદ મેળવવાથી વંચિત રહી જાય છે. આ અન્યાયી નીતિ અને અપૂરતી સહાય સામે કિસાન સંગઠનો અને રાજકીય આગેવાનોએ મોરચો માંડ્યો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મોંઘવારીના આ યુગમાં વીઘાદીઠ માત્ર ૨,૦૦૦ રૂપિયાની નજીવી સહાય ખેડૂતોના જખમ પર મીઠું ભભરાવવા સમાન છે. ખેતીમાં મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ થતા તોતિંગ ખર્ચ સામે એનડીઆરએફના નિયમો હેઠળ અપાતી આ રકમ નુકસાનનું સાચું વળતર કહી શકાય નહીં. તેમણે બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોના ખેડૂતોની દયનીય સ્થિતિ તરફ ધ્યાન દોરતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આગળ આવીને સરકાર સમક્ષ રજૂઆત કરવા અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે દુષ્કાળ નક્કી કરતી વખતે માત્ર વરસાદના કાગળ પરના આંકડા જોવાને બદલે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ખેડૂતોને થયેલા સાચા નુકસાનને આધાર બનાવી સમગ્ર જિલ્લા કે તાલુકાને બદલે નુકસાનગ્રસ્ત ખેડૂતને સીધો એકમ ગણીને સહાય આપવી જોઈએ.
બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ઉત્તર ગુજરાતના સરહદી પંથકની ઉપેક્ષા સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં ૪૦ ટકા કરતાં પણ ઓછો વરસાદ પડ્યો હોવા છતાં તેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. બનાસકાંઠા મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર જિલ્લો હોવાથી વરસાદની અછતને કારણે ખેતી બરબાદ થવાની સાથે પશુઓ માટે ઘાસચારા અને પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ છે. સાંસદ ગેનીબેને અસરગ્રસ્ત પંથકમાં તાત્કાલિક રાહતકામો શરૂ કરવા, પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા તેમજ ખેડૂતોના પાકધિરાણના વ્યાજ માફ કરવા અથવા બેંક લોનની વસૂલાતમાં એક વર્ષની મુદત આપવા આગ્રહભરી માગણી કરી છે. તેમણે ડેમો અને નર્મદા કેનાલ નેટવર્કમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોના ખેતરો, નહેરો અને સ્થાનિક તળાવો સુધી શા માટે પૂરતું પાણી પહોંચાડવામાં આવતું નથી તેવો વેધક સવાલ ઉઠાવી ત્વરિત પાણી આપવા દબાણ કર્યું છે.
આ સાથે જ ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકાર દ્વારા જાહેર કરાયેલી હેક્ટરદીઠ ૮,૫૦૦ રૂપિયાની સહાય સામે આકરા પ્રહારો કરતાં તેને જગતના તાત સાથેની ક્રૂર મજાક ગણાવી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર સહાયના ધોરણો અને બાકાત રહી ગયેલા તાલુકાઓ અંગે તાત્કાલિક પુનર્વિચાર નહીં કરે તો આગામી ૧૨મી માર્ચે સરકાર સામે આરપારની લડતનું રણશિંગું ફૂંકવામાં આવશે. પાલ આંબલિયાએ નિયમ મુજબ અછતગ્રસ્ત વિસ્તારોમાં પાકધિરાણ સંપૂર્ણ માફ કરવા, દર સાત કિલોમીટરના અંતરે સસ્તા અનાજ અને ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરવા, રાહતકામો ચાલુ કરવા, પાંજરાપોળોની વ્યવસ્થા સુદ્રઢ કરવા અને નોંધાયેલી ગૌશાળાઓમાં પશુદીઠ યોગ્ય દૈનિક સહાય ચૂકવવા સહિતના નક્કર પગલાં ભરવાની માગણી કરી છે. હાલ સમગ્ર રાજ્યમાં માત્ર નામપૂરતી સહાય જાહેર કરવાને બદલે બાકાત રહેલા તમામ ૪૫ તાલુકાઓને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી, ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનનું પૂરેપૂરું વળતર આપવા અને દેવાના બોજ હેઠળ દબાયેલા ખેડૂતોને વ્યાપક રાહત આપવાની માગણીએ જોર પકડ્યું છે.