ડૉ. હર્ષિત પી. ગોસાવીએ મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી વહીવટી સુકાન સંભાળ્યું

ગરવી તાકાત
મહેસાણા જિલ્લાના વહીવટી વડા તરીકે ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી ડૉ. હર્ષિત પી. ગોસાવીએ આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે ડૉ. ગોસાવીની નિમણૂક મહેસાણાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કરવામાં આવી છે. ડૉ. ગોસાવીએ આજે તારીખ ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કચેરી સમય પૂર્વે જિલ્લા સેવા સદન ખાતે પોતાનો હોદ્દો ગ્રહણ કરીને વહીવટી કામગીરી શરૂ કરી દીધી છે.
૨૦૧૩ની બેચના આઈએએસ અધિકારી ડૉ. હર્ષિત પ્રુથ્વીરાજ ગોસાવી આ પૂર્વે ગાંધીનગર ખાતે ગૃહ વિભાગમાં અધિક સચિવ (કાયદો અને વ્યવસ્થા) તરીકે મહત્વની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેઓએ મહેસાણાના પૂર્વ કલેક્ટર એસ. કે. પ્રજાપતિનું સ્થાન લીધું છે. સરકારના આદેશ અનુસાર તેઓની બદલી મહેસાણા ખાતે થતા, તેમણે આજે સત્તાવાર રીતે જિલ્લાના સર્વોચ્ચ વહીવટી અધિકારી તરીકેની કમાન સંભાળી છે.