ઊંચા વળતરની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતી નકલી શ્યામ સ્ટોક એડવાઇઝર કંપની ઝડપાઈ: મહેસાણા સાયબર સેલે ૮ ગઠિયાઓને દબોચ્યા

ગરવી તાકાત
મહેસાણા જિલ્લામાં સાયબર ગઠિયાઓ દ્વારા અવનવા પેંતરા અજમાવી નિર્દોષ રોકાણકારોને આર્થિક ચૂનો ચોપડવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉચરપી ગામની સીમમાં આવેલી ખેતરની એક ઓરડીમાંથી કોઈપણ પ્રકારના માન્ય લાયસન્સ કે મંજૂરી વગર ગેરકાયદેસર શેરબજારનું ટ્રેડિંગ ચલાવી લોકો સાથે છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. આરોપીઓ ‘શ્યામ સ્ટોક એડવાઇઝર કંપની’ના નામે બોગસ ઓળખ ઊભી કરી સામાન્ય લોકોને શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો નફો અને ઊંચા વળતરની લાલચ આપીને પોતાના જાળમાં ફસાવતા હતા. મહેસાણા સાયબર સેલે ચોક્કસ બાતમીના આધારે ખેતરની ઓરડી પર છાપો મારી આ ગોરખધંધામાં સંડોવાયેલા આંતરરાજ્ય કનેક્શન ધરાવતા ૮ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. ૧.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપતાં ડીવાયએસપી મિલાપ પટેલ અને સાયબર ક્રાઈમ પોલીસની ટીમે જણાવ્યું હતું કે, આ ઠગ ટોળકી પોતાના મોબાઈલ ફોનમાં ‘માર્કેટ પલ્સ’ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી અને તેના થકી રોકાણકારોને શેરબજારના ભાવમાં થતી વધઘટ બતાવીને આંજી નાખતી હતી. ત્યારબાદ રેન્ડમ મોબાઈલ નંબરોના ડેટાનો ઉપયોગ કરી, બોગસ દસ્તાવેજોના આધારે મેળવેલા ડમી સિમકાર્ડ મારફતે ગ્રાહકોને ફોન કરીને શેરબજારમાં રોકાણથી મોટો ફાયદો થશે તેવો અતૂટ વિશ્વાસ કેળવતા હતા. ભોગ બનનાર ગ્રાહકો જ્યારે તેમના વિશ્વાસમાં આવીને પોતાના નાણાં જમા કરાવતા, ત્યારે આરોપીઓ તે નાણાં શેરબજારમાં રોકવાને બદલે સીધા અંગત મોજશોખ અને અંગત ફાયદા માટે વાપરી નાખતા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ૧૩ સ્માર્ટફોન, ૭ કી-પેડ મોબાઈલ ફોન, બોગસ આઈ.ડી. કાર્ડ, કન્સલ્ટીંગ કાર્ડ અને ડમી સિમકાર્ડના કવરો સહિત કુલ રૂ. ૧,૨૨,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી રાજકુમાર ચૌધરી (રહે. ઉચરપી), રોહીતકુમાર સેનમા (રહે. મગરોડા), નિલેશજી ઠાકોર (રહે. ખોડામલી), વિપુલજી ઠાકોર (રહે. રણછોડપુરા), અંકિતકુમાર રાવળ (રહે. કરલી), અમનસિંગ (રહે. લખનઉ/રાયબરેલી, ઉત્તર પ્રદેશ), ધવલકુમાર પરમાર (રહે. અમરાઈવાડી, અમદાવાદ) અને પરેશભાઈ રાવળ (રહે. કરલી) નામના ૮ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, પોલીસના દરોડા દરમિયાન રૂત્વીક ઉર્ફે સન્ની ચમાર, પીન્ટુ ઠાકોર અને સચીન ઉર્ફે નેપાલી રાવળ પોલીસની ટીમને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેથી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ ઉપરાંત ગઠિયાઓને ડમી સિમકાર્ડ, ફેક આઈડી અને ગ્રાહકોનો મોબાઈલ ડેટા પૂરો પાડનાર વિષ્ણુભાઇ ઉર્ફે બચ્ચન ચૌધરી તેમજ વિકાસ ઉર્ફે વિકો ચૌધરી સહિતના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા પોલીસે તપાસનો વ્યાપ લંબાવ્યો છે.
મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ તેમજ વોન્ટેડ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨), ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં રાજ્ય કે દેશભરમાંથી કેટલા રોકાણકારોને પોતાનો શિકાર બનાવ્યા છે અને કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી છે તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ શરૂ કરી છે. ખેતરમાં છુપાઈને ચાલતા આ હાઈટેક સાયબર ફ્રોડનો પર્દાફાશ થતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.